ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ (GSRTC)ની બસોમાં મુસાફરી દરમિયાન કોઈ સેવા સંબંધિત સમસ્યા આવે છે? તો મુંઝાશો નહીં, હવે મુસાફરો માટે સરળ સુવિધા ઉપલબ્ધ છે.મુસાફરો બસમાં તેમની બેઠક આગળ ચોંટાડેલા QR કોડને સ્કેન કરીને ફીડબેક આપી શકે છે અથવા સેવાઓનું મૂલ્યાંકન કરી શકે છે, જેના આધારે તંત્ર તાત્કાલિક કાર્યવાહી કરી શકે છે.
તાજેતરમાં AC અને Volvo બસોમાં મુસાફરી કરતા મુસાફરોએ દુર્ગંધ સંબંધિત કેટલીક ફરિયાદો આ સિસ્ટમ દ્વારા મળી હતી. નિગમનાં અધિકારીઓએ તાત્કાલિક આ ફીડબેકનાં આધારે પગલા લીધા અને રાજ્યભરની તમામ AC અને Volvo બસોમાં એર ફ્રેશનર લગાવ્યા અને સમસ્યાનો તાત્કાલિક ઉકેલ લાવવામાં આવ્યો.
GSRTC દ્વારા મુસાફરોની સુવિધાને વધુ ઉત્તમ બનાવવા અને સેવા કાર્યક્ષમતામાં સુધારો લાવવા માટે ‘પેસેન્જર ફીડબેક રેટિંગ પરફોર્મન્સ સિસ્ટમ’ શરૂ કરવામાં આવી છે.નિગમનાં અધિકારીઓનાં જણાવ્યા મુજબ, માર્ચ (2026) મહિના દરમિયાન કુલ 1,702 મુસાફરોએ તેમના પ્રતિભાવ આપ્યા હતા અને આ પ્રતિભાવ દ્વારા GSRTCને 5 માંથી 4.5નું મજબૂત સેટિસ્ફેક્શન રેટિંગ મળ્યું છે, જે મુસાફરોનો મોટા ભાગે સકારાત્મક અનુભવ દર્શાવે છે.
માર્ચ-2026નાં ‘પેસેન્જર ફીડબેક રેટિંગ પરફોર્મન્સ’ના વિશ્લેષણ અહેવાલ મુજબ, બસમાં સલામતીને સૌથી વધુ 4.7નું રેટિંગ મળ્યું છે. ત્યારબાદ સ્ટાફનાં વર્તનને 4.6 અને સ્વચ્છતાને 4.5નું રેટિંગ મળ્યું છે.મુસાફરોનાં પ્રતિભાવોનું વિશ્લેષણ કરતા જાણવા મળ્યું કે, મોટા ભાગના મુસાફરોએ GSRTC સેવાઓને 5-સ્ટાર રેટિંગ આપ્યું છે, જેમાં ખાસ કરીને સ્ટાફના વર્તનને વધુ પ્રશંસા મળી છે.આ નવીન પહેલને મુસાફરોનું જરબદસ્ત સમર્થન મળ્યું છે. માર્ચ મહિનાના અંતિમ અઠવાડિયામાં 372 મુસાફરોએ તેમના પ્રતિભાવ આપ્યા હતા. આ આંકડાઓ મુસાફરોની વધતી જતી ભાગીદારી દર્શાવે છે. માર્ચ મહિનામાં આ નવી સિસ્ટમ દ્વારા કૂલ 1,702 મુસાફરોએ પ્રતિભાવો આપ્યા હતા.
મુસાફરોએ એસ.ટી બસોની સલામતી અને તેના દ્વારા પુરી પાડવામાં આવતી સેવાની ગુણવત્તા માટે મજબૂત પ્રતિષ્ઠાને જાળવા રાખી છે.ગુજરાત રાજ્ય માર્ગ વાહનવ્યવહાર નિગમમાં અધિકારીઓએ જણાવ્યું કે, ‘પેસેન્જર ફીડબેક રેટિંગ પર્ફોર્મન્સ સિસ્ટમ’ માર્ચ 2026માં શરૂ કરવામાં આવી હતી અને વિવિધ સેવાઓનાં માપદંડોમાં તેને જબરદસ્ત પ્રતિસાદ મળ્યો હતો.પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્ર મોદી અને મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ રાજ્યના જાહેર પરિવહન તંત્રમાં નોંધપાત્ર પરિવર્તન આવી રહ્યું છું.
નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીએ જણાવ્યું કે,“મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં, અમે જાહેર પરિવહન તંત્રમાં સુધારા માટે વિવિધ પહેલો હાથ ધરી છે. પેસેન્જર ફીડબેક રેટિંગ સિસ્ટમને ઉત્તમ પ્રતિસાદ મળ્યો છે અને આ ફીડબેકના આધારે ત્વરીત કાર્યવાહી કરવામાં આવે છે. પરિણામે GSRTCના પરફોર્મન્સ રેટિંગ ખૂબ જ સકારાત્મક છે”.
તેમણે વધુમાં ઉમેર્યું: “છેલ્લા એક વર્ષમાં GSRTC બસોમાં દૈનિક મુસાફરોની સંખ્યા 25 લાખથી વધીને 27 લાખ થઈ છે. આગામી મહિનાઓમાં 30 લાખ મુસાફરો સુધી પહોંચવાનું અમારું લક્ષ્ય છે. જાહેર પરિવહન અમારી પ્રથમ પ્રાથમિકતા છે. ”
“પેસેન્જર ફીડબેક રેટિંગ સિસ્ટમમાં મુસાફરોનાં જે પ્રતિભાવો મળી રહ્યા છે તેને ધ્યાનમાં લઇ તાત્કાલિક તેમાં સુધારો કરી રહ્યા છીએ. આ પ્રતિભાવોને કારણે અમને ખ્યાલ આવી રહ્યો છે કે, કઇ સેવાઓમાં સુધારાની જરૂર છે. આ પ્રતિભાવોએ પ્રસ્થાપિત કર્યુ છે કે, એસ.ટી બસમાં લોકોનો વિશ્વાસ અકબંધ છે અને મુસાફરોની 4.5ની સરેરાશ રેટિંગમાં તે પ્રતિબિંબિત થાય છે.
ફીડબેક કેવી રીતે આપશો? : GSRTCએ AC અને Volvo જેવી પ્રીમિયમ બસોમાં દરેક બેઠક પાછળ તેમજ દરેક બસમાં ઓછામાં ઓછો એક QR કોડ મૂક્યો છે. મુસાફરો આ કોડ સ્કેન કરીને પોતાનું નામ, ઈમેલ, મોબાઈલ નંબર અને PNR અથવા ટિકિટ નંબર જેવી માહિતી દાખલ કરી તેમનો પ્રતિભાવ આપી શકે છે. મુસાફરો બસની સ્વચ્છતા, બેઠક સુવિધા, સમયપાલન, સ્ટાફ વર્તન, સલામતી અને તેમના સરેરાશ અનુભવ જેવા મુદ્દાઓ પર રેટિંગ આપી શકે છે. મુસાફરો ફરિયાદ સંબંધિત ફોટા પણ અપલોડ કરી શકે છે. ફીડબેક સબમિટ થતા જ તે સબંધિક અધિકારીને પહોંચે છે અને તાત્કાલિક સંબંધિત અધિકારીઓ તેના પર કાર્યવાહી કરે છે.
હવે પછી બસ ડેપોની સ્વચ્છતા માટે વિશેષ QR Code : નિગમ દ્વારા રાજ્યભરના તમામ બસ ડેપો પર વિશેષ ‘સ્વચ્છતા’ માટે QR કોડ લગાવવામાં આવશે. આ QR કોડ સ્કેન કરી મુસાફર જે તે બસ ડિપોટની સ્વચ્છતા વિશે પ્રતિભાવ આવી શકશે. આ નવી સિસ્ટમમાં QR કોડ દરેક બસ ડિપોટ માટે અલગ બનાવવામાં આવશે. નિગમ દ્વારા આવા 400થી વધુ વિશેષ QR કોડ બનાવવામાં આવી રહ્યા છે. ગુજરાત રાજ્ય માર્ગ વાહનવ્યવહાર નિગમ દ્વારા રોજ 8000થી વધુ બસો ચલાવવામાં આવે છે અને સરેરાશ 27 લાખ લોકો દરરોજ તેમાં પ્રવાસ કરે છે.




