આણંદના રોયલ સિટી રોડ નજીક આવેલી હીના પાર્ક સોસાયટીમાંથી રૂપિયા ૨.૯૫ લાખના વિદેશી દારૂ સાથે ત્રણ શખ્સો ઝડપાયા હતા. જ્યારે બે શખ્સો નાસી છુટયા હતા. પોલીસે બે કાર, એક રિક્ષા સહિત કુલ રૂપિયા ૧૨.૭૫ લાખનો મુદ્દામાલ જપ્ત કરી કુલ આઠ શખ્સો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી. આણંદની હીના પાર્ક સોસાયટીમાં સાજીદ ઉર્ફે ટીકટીક કાદરખાન પઠાણ અને શાહીલ મલેક પોતાના મળતીયાઓ સાથે વિદેશી દારૂનો જથ્થો મંગાવી તેનું કટીંગ કરી રહ્યા હોવાની બાતમી આણંદ શહેર પોલીસને મળી હતી.
જેના આધારે પોલીસે મધ્યરાત્રે દરોડો કરી પ્રવિણસિંહ રતનસિંહ ચૌહાણ (રહે.દેવગઢ,રાજસ્થાન), સાજીદ ઉર્ફે ટીકટીક પઠાણ (રહે.હીનાપાર્ક, ઈસ્માઈલનગર) અને રોહિત મહેશભાઈ દરબાર (રહે.મેલડી માતા ઝુપડપટ્ટી)ને ઝડપી પાડયા હતા. જ્યારે શાહીલ દાઉદભાઈ મલેક અને રીયાઝ દિવાન (બંને રહે.આણંદ) અંધારાનો લાભ લઈ ફરાર થઈ ગયા હતા. પોલીસે એક વૈભવી કાર, અન્ય એક કાર અને રિક્ષા જપ્ત કરી તપાસ કરતા ૨૦૮૮ નંગ વિદેશી દારૂની બોટલો અને બીયરના ટીન મળી આવ્યા હતા. પોલીસે રૂપિયા ૨,૯૫,૨૦૦/-ની કિંમતનો વિદેશી દારૂનો જથ્થો અને વાહનો મળી કુલ રૂપિયા ૧૨,૭૫,૩૦૦/-નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. પોલીસે ઝડપાયેલા ત્રણ શખ્સો સહિત કુલ આઠ સામે કાર્યવાહી હાથ ધરી હતી.




