સુરત જિલ્લામાં પશુપાલકો દ્વારા પશુપાલન વિભાગને લગતી વિવિધ યોજનાઓનો લાભ લેવા માટે વર્ષ ૨૦૨૪-૨૫માં આઈ ખેડૂત પોર્ટલ ઉપર અરજી કરવામાં આવી હતી. યોજના હેઠળ સરકારી ગાઈડલાઈન મુજબ જિલ્લાકક્ષાએથી પાત્રતા ધરાવતા લાભાર્થીઓની અરજીઓને આઇ ખેડૂત પોર્ટલ ઉપર ઓનલાઈન ડ્રો પદ્ધતિ દ્વારા વિવિધ યોજનાઓના લાભાર્થીઓના લાભ મંજુર કરવામાં આવ્યા છે. ઓનલાઈન અરજીઓમાં પાવર ડ્રીવન ચાફકટર ખરીદી પર સહાય યોજનાના કુલ ૮૧ લાભાર્થીઓ, બકરા એકમ યોજનાના કુલ ૩૮ લાભાથીઓ, શુદ્ધ સંવર્ધન દ્વારા રાજયની સ્થાનિક ઓલાદની ગાયમાં કુત્રિમ બીજદાનથી જન્મેલ વાછરડીઓના પશુપાલકો માટે પ્રોત્સાહક યોજનાના ૧૧૨ લાભાર્થીઓ મળી કુલ ૨૩૧ જરૂરીયાતમંદોની અરજીઓ મંજુર કરવામાં આવી હતી. આ અવસરે જિલ્લા પંચાયત પ્રમુખ, જાહેર આરોગ્ય સમિતિના સભ્ય, સામાજિક ન્યાય સમિતિના સભ્ય, શિક્ષણ સમિતિના સભ્ય, નાયબ પશુપાલન નિયામક ઉપસ્થિત રહ્યા હતા.




