વલસાડ જિલ્લાનાં જાગીરી ભવાડા ગામનાં મૂળગામ ફળિયામાં રહેતા પિલાજભાઈ બેન્ડુભાઈ દોડકા (ઉ.વ.૬૫) સહિત તેમના અન્ય ભાઈઓ બુધીવાભાઈ, સકારામભાઈ અને રામુભાઈ તથા તેમની બહેન મંજુલાબેન તેમના પરિજનો સાથે અલગ અલગ ઘરોમાં રહે છે. પિલાજભાઈ વર્ષોની ભગતભૂવાની વિધિ કરે છે. ગત તારીખ ૧૪/૦૫/૨૦૨૫ નારોજ ફળિયામાં રહેતા તેના કૌટુંબિક ભત્રીજા વિનોદભાઈ નામુભાઈ દોડકા પિલાજભાઈના ઘરે આવ્યા હતા. પિલાજબાઈ સાથે વાતચીત કર્યા બાદ વિનોદભાઈ તેમના પિતરાઈ કાકાને તેમની બાઈક પર બેસાડીને જાગીરી ભવાડા ગામેથી ચાવશાળા તરફ ગયા હતા.
ત્યારબાદ ગામના નિશાળ ફળિયામાં રહેતા લલીભાઈ દોડકા અને કાળુભાઈ આશર્યા પિલાજભાઈનાં ઘરે આવ્યા હતા અને પિલાજભાઈ ચાવશાળા ગામનાં બરૂમાળ ફળિયા પાસે રોડ પર પડેલી હાલતમાં હોવાની જાણ પિલાજભાઈનાં પૌત્ર ભરતભાઈને કરી હતી. જેથી ભરતભાઈએ વિનોદભાઈને કોલ કરીને તેના દાદા ક્યાં છે તેની પુછતાછ કરી હતી. આ સમયે વિનોદભાઈએ કહ્યું કે, તેમના કૌટુંબિક ભત્રીજા ભરતભાઈને પિલાજભાઈએ ચાલુ બાઈકે તેમના કૌટુંબિક ભત્રીજા વિનોદભાઈને હું ભગતભૂવાનું કામ કરું છું, આજે નહિ તો કાલે હું તને સેકી ખાઈશ, તેવું જણાવી વિનોદભાઈને ગાળો આપી હતી.
જે બાબતથી રોષે ભરાયેલા વિનોદભાઈએ તેમની બાઈક ઊભી રાખી પિલાજભાઈને તમાચા મારી દીધા હતા. ત્યારબાદ વિનોદભાઈએ તેમના પિતરાઈ કાકા પિલાજભાઈને ઊંચકીને જમીન પર ફેંકી દીધા હતા. વધુમાં ઘટનાની જાણ થતાં પિલાજભાઈના પૌત્ર ભરતભાઈ સહિતના પરિવારના સભ્યો સ્થળ પર પહોંચતા પિલાજભાઈ ગંભીર રીતે ઈજાગસ્ત હાલતમાં અને બેભાન જણાયા હતા. જે બાદ તેઓએ ૧૦૮ એમ્બ્યુલન્સની મદદ લીધી હતી. ઈજાગ્રસ્તને કપરાડા સી.એચ.સી.માં દાખલ કરાયા બાદ વધુ સારવાર માટે વલસાડની સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ભાનમાં આવેલ પિલાજભાઈએ તેમના પરિજનોને કહ્યું કે, વિનોદભાઈએ તેમને તું ભગતભૂવાનું કામ કરે છે અને લોકોને હેરાન કરે છે તેવું જણાવી તમાચા મારી દીધા બાદ તેમને ઊંચકીને જમીન પર ફેંકી દીધા હતા. વધુમાં વિનોદે તેને જાનથી મારી નાંખવાની ધમકી આપી હોવાની કેફિયત પણ તેમણે પરિજનો સમક્ષ કરી હતી.
