તારીખ ૧૨મી જુન વિશ્વભરમાં “બાળ મજૂરી વિરોધી દિવસ” તરીકે ઉજવાય છે. આ દિવસે બાળકોના અધિકારો માટે જાગૃતિ લાવવા અને બાળ મજૂરી અટકાવવા હેતુસર વિવિધ કાર્યક્રમો યોજવામાં આવે છે. આ અન્વયે તાપી જિલ્લાના સોનગઢ ખાતે આવેલ સાર્વજનિક હાઇસ્કુલ, જાગૃતિ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ૪૫૦ જેટલા વિદ્યાર્થીઓ, શિક્ષકો, જિલ્લા અને સરકારી અધિકારીઓ તથા પોલીસ કર્મચારીગણ જોડાયા હતા.
રેલી સાર્વજનિક હાઇસ્કુલના પટાંગણથી પ્રારંભ કરી સોનગઢ બસ સ્ટેશન તથા પોલીસ સ્ટેશન સુધી જઈ બાળ મજૂરી વિરોધી સૂત્રોચ્ચાર સાથે ફરી શાળાના પટાંગણમાં પૂર્ણાહુતિ આપી હતી. કાર્યક્રમની શરૂઆતમાં જિલ્લા બાળ સુરક્ષા અધિકારીશ્રી દ્વારા વિદ્યાર્થીઓને બાળ મજૂરી વિશે, તેનાં દુષ્પરિણામો અને બાળકોના અધિકારો વિશે વિસ્તૃત માહિતી આપી પ્રતિજ્ઞા લેવડાવવામાં આવી હતી કે તેઓ બાળ મજૂરી કરશે નહીં અને ન કોઈને કરાવશે. આ કાર્યક્રમમાં જિલ્લા બાળ સુરક્ષા અધિકારીશ્રી, સુરક્ષા અધિકારી-બિન સંસ્થાકિય સંભાળ, જિલ્લા બાળ સુરક્ષા એકમ-તાપી, શ્રમ અધિકારીશ્રીની કચેરીનાં કર્મચારીઓ અને સ્થાનિક પોલીસ સ્ટાફ પણ ઉપસ્થિત રહ્યા હતા.
