રાજકોટનાં બાબરા પોલીસ સ્ટેશનમાં છેલ્લા દોઢેક વર્ષથી ફરજ બજાવતા પોલીસમેન દ્વારા 14 વર્ષની સગીરાને ધાક ધમકી આપીને શારીરિક અડપલા કર્યા બાદ અપહરણ કરી જઈને પાશવી દુષ્કર્મ ગુજારી રસ્તામાં છોડી નાસી છૂટયાની ઘટનાએ ‘રક્ષક જ ભક્ષક’નાં આક્રોશ સાથે ફીટકારની લાગણી પ્રસરાવી દીધી છે. આ ગંભીર ઘટના મામલે સગીરાએ પોતાની આપવિતી વર્ણવતા પોલીસે ગુનો નોંધી આરોપી પોલીસમેનને પકડી પાડવા તપાસ આગળ વધારી હતી. 
મળતી વિગત મુજબ, 14 વર્ષની સગીર પુત્રીને ટયુશન ક્લાસમાં જતી વખતે બાબરા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા રવિરાજસિંહ ચૌહાણ (રહે.દાનેવનગર સોસાયટી,બાબરા)એ ચારેક મહિના પહેલા આંતરીને ‘હું પોલીસમાં છું…મોબાઈલ નંબર આપ, નહીતર હેરાન કરીશ..’ એવું કહીને ધમકાવી હતી. જેથી ડરી ગયેલી સગીરાએ મોબાઈલ નંબર આપ્યો હતો. બીજા દિવસે પોલીસમેન રવિરાજસિંહે સગીરાને મોબાઈલ ફોન કરીને પોતાના સ્નેપચેટ એકાઉન્ટમાં વાતચીત કરવાનું કહ્યું હતું. જે વાતચીત દરમિયાન પરિચય કેળવીને એકાદ માસ બાદ સગીરાને ઘર બહાર બોલાવી બાઈક પર બેસાડી ચમારડીના ઝાંપા વિસ્તારની અવાવરૂં જગ્યાએ લઇ અડપલા કરવા સાથે ધાક-ધમકી આપીને દુષ્કર્મ આચર્યું હતું.
બાદમાં છેલ્લે તારીખ 29મીએ સગીરા તેમના કુટુંબીના ઘેર જતી હતી ત્યારે રસ્તામાં આંતરી પોલીસમેન રવિરાજસિંહે ધમકી આપી બાઈક પર બેસાડી કમળશી હાઇસ્કુલ નજીક આવેલા એક છાપરામાં લઇ જઈ શારીરિક અડપલા ચાલુ કર્યા હતા. જો કે, એ સમયે તેને અન્ય કોઈ પોલીસ કર્મીનો ફોન આવતા સગીરાને બાઈક પર બેસાડીને થોડે દૂર ઉતારી દીધી હતી. જેથી પોલીસમેનની હેવાનીયતથી માંડ બચેલી સગીરા ગભરાયેલી હાલતમાં પોતાના કુટુંબીજનના ઘેર પહોંચી હતી, જ્યાં પરિવારજનો પણ હાજર હોવાથી હિંમત કરીને આપવીતી વર્ણવી હતી. પરિણામે પરિવારજનોએ બાબરા પોલીસ સ્ટેશને આવીને ફરિયાદ નોધાવી હતી. જોકે સગીરાના પરિવારજનો પોલીસ સ્ટેશને ફરિયાદ કરવા આવ્યાની ખબર પડી જતાં પોલીસમેન રવિરાજસિંહ ચૌહાણ નાસી છૂટયો હતો. આ મામલે મહિલા પી.આઈ. દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી હતી.



