જમ્મુ અને કાશ્મીરના પહલગામમાં આતંકી હુમલા બાદ ભારત સરકારે પાકિસ્તાન સામે કડક નિર્ણયો લીધા છે. ભારતીય સેના, ભારતીય વાયુસેના અને ભારતીય નૌકાદળ હાઇ એલર્ટ મોડમાં છે. ત્યારે શિપિંગ મહાનિર્દેશાલય દ્વારા ત્રીજી મે પાકિસ્તાની ધ્વજ ધરાવતાં જહાજો પર પ્રતિબંધ મૂક્યો છે. નોંધનીય છે કે, ભારતે પાકિસ્તાનથી તમામ માલની આયાત અને ટપાલ સેવા પર પ્રતિબંધ મૂક્યો છે. અહેવાલો અનુસાર, પહલગામ હુમલા બાદથી જ ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ સતત વધી રહ્યો છે. સિંધુ સંધિ તથા વિઝા રદ થયા બાદ પણ અનેક મોટા નિર્ણય લેવામાં આવી રહ્યા છે. બંને દેશોએ એકબીજા માટે એરસ્પેસ બંધ કર્યું છે.
ભારતીય ટપાલ વિભાગે પુષ્ટિ આપી છે કે હવે પાકિસ્તાનમાં કોઈ પત્ર, પાર્સલ કે રજિસ્ટર્ડ પોસ્ટ મોકલવામાં આવશે નહીં અને ભારતમાં પાકિસ્તાનથી કોઈપણ ટપાલ સેવા સ્વીકારવામાં આવશે નહીં. અધિકારીઓએ જણાવ્યું હતું કે સુરક્ષા કારણો અને રાષ્ટ્રીય હિતને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે. બીજી તરફ ભારત સરકારે તાત્કાલિક અસરથી પાકિસ્તાનથી સીધા અથવા કોઈપણ રીતે આવતા તમામ પ્રકારના માલની આયાત પર પ્રતિબંધ મૂક્યો છે. વાણિજ્ય મંત્રાલય દ્વારા બીજી મેના રોજ જારી કરાયેલા નોટિફિકેશન અનુસાર, આ નિર્ણયને વિદેશી વેપાર નીતિ-FTP 2023માં સુધારો કરવામાં આવ્યો છે. આ પ્રતિબંધ હેઠળ, હવે પાકિસ્તાનથી આવતા કોઈપણ ઉત્પાદનની આયાત પર સંપૂર્ણ પ્રતિબંધ રહેશે, પછી ભલે તે સીધી આયાત હોય કે પરોક્ષ રીતે ત્રીજા દેશ દ્વારા આ પ્રતિબંધ 2023ની વિદેશ વેપાર નીતિમાં નવી જોગવાઈ તરીકે ઉમેરવામાં આવ્યો છે.
