અમદાવાદમાં સ્વામિનારાયણ BAPS સંસ્થા દ્વારા સંચાલિત પ્રેમવતી રેસ્ટોરન્ટ ફરી એકવાર વિવાદમાં આવી છે. તાજેતરમાં, એક ગ્રાહકને એક્સપાયરી ડેટવાળા થેપલા પીરસવામાં આવતા ભારે હોબાળો મચ્યો છે. આ ઘટનાનો વીડિયો વાયરલ થતાં રેસ્ટોરન્ટની ગંભીર બેદરકારી સામે આવી છે, જે ગ્રાહકોના સ્વાસ્થ્ય માટે સીધો ખતરો છે.
સોશિયલ મીડિયા પર વાયરલ થેપલા એક વીડિયોમાં એક ગ્રાહક પ્રેમવતી રેસ્ટોરન્ટમાંથી મળેલા થેપલાની એક્સપાયરી ડેટ બતાવી રહ્યા છે. આ થેપલાની મુદ્દત પૂરી થઇ ગઈ હોવા છતાં તેણે વેચવામાં આવ્યા હતા જે રેસ્ટોરન્ટની બેદરકારીની પરાકાષ્ઠા દર્શાવે છે. ગ્રાહકે આ અંગે ફરિયાદ કરતા રેસ્ટોરન્ટના સંચાલકોએ ક્ષુલ્લક બચાવ કર્યો આ ભૂલથી થયું છે. પરંતુ, જ્યારે વધુ તપાસ કરવામાં આવી ત્યારે સ્થિતિ વધુ ગંભીર જણાઈ આવી.ગ્રાહકોએ કરેલી તપાસમાં એક્સપાયરી થયેલા થેપલા ઉપરાંત અન્ય કેટલાક ખાધપદાર્થોનો જથ્થો પણ એવો મળી આવ્યો, જેના પર મેન્યુફેક્ચરિંગ ડેટ અને એક્સપાયરી ડેટનો ઉલ્લેખ જ નહોતો. આ પ્રકારની બેદરકારી માત્ર એક ભૂલ નથી પરંતુ ગ્રાહકોના જીવન સાથે સીધા જોખમ સમાન છે. એક તરફ જ્યાં BAPS જેવી ધાર્મિક સંસ્થા સેવા અને શુદ્ધતાના દવા કરે છે, ત્યાં તેમના દ્વારા સંચાલિત રેસ્ટોરન્ટમાં આવી ગંભીર બેદરકારી શરમજનક છે.



