સુરત જિલ્લાના બારડોલી તાલુકાના ઉવા ગામ નજીક આજે સાંજે આશરે 4 વાગ્યે બે મહારાષ્ટ્ર રાજ્ય માર્ગ પરિવહન નિગમ (એસ.ટી.)ની બસો વચ્ચે થયેલા ગમખ્વાર અકસ્માતમાં બસમાં આગ લાગતાં 7થી વધુ મુસાફરોના મોત થયા હોવાની પ્રાથમિક માહિતી મળી રહી છે. જ્યારે 18 જેટલા મુસાફરો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હોવાનું જાણવા મળ્યું છે.
માહિતી મુજબ, જલગાંવ જિલ્લાના જામનેરથી સુરત જતી બસ (MH-18 BZ-2258) અને ધૂળેથી સુરત જતી બસ (MH-20 BL-3390) ઉવા ગામ નજીકથી પસાર થઈ રહી હતી. તે દરમિયાન હાઈવે પર એક ટેન્કર પલટી ખાઈ ગયું હતું. પલટી ગયેલા ટેન્કરને બચાવવા પાછળથી આવતી બસના ચાલકે વાહન વાળવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ બસ પરનો કાબૂ ગુમાવતા બસ ડિવાઈડર પાર કરીને સામેથી આવી રહેલી બીજી બસ સાથે અથડાઈ હતી.
અકસ્માત એટલો ભયાનક હતો કે બંને બસોને ભારે નુકસાન પહોંચ્યું હતું. અથડામણ બાદ જામનેર-સુરત બસ પલટી ખાઈ ગઈ અને તેમાં ભીષણ આગ ભભૂકી ઊઠી હતી. આગે થોડા જ સમયમાં વિકરાળ સ્વરૂપ ધારણ કરતાં અનેક મુસાફરો બસમાં ફસાઈ ગયા હોવાની માહિતી સામે આવી છે.
ઘટનાની જાણ થતાં સ્થાનિક લોકો તરત જ બચાવ કામગીરીમાં જોડાયા હતા. બારડોલી ફાયર બ્રિગેડ, પોલીસ અને અન્ય તાત્કાલિક સેવા દળો ઘટનાસ્થળે પહોંચી આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ કર્યો હતો. સાથે જ ઇજાગ્રસ્તોને બહાર કાઢી નજીકની હોસ્પિટલોમાં ખસેડવામાં આવ્યા હતા.
સુરત જિલ્લા કલેક્ટર તેજસ પટેલે પ્રાથમિક માહિતીના આધારે જણાવ્યું હતું કે અકસ્માતમાં 7થી વધુ લોકોના મોત થયા હોવાનું અનુમાન છે, જ્યારે 18 જેટલા મુસાફરો ગંભીર રીતે ઘાયલ થયા છે. તમામ ઇજાગ્રસ્તોની સારવાર ચાલી રહી છે, જેમાં કેટલાકની સ્થિતિ ગંભીર હોવાનું જાણવા મળે છે.
અકસ્માત બાદ હાઈવે પર લાંબા સમય સુધી ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી. વહીવટી તંત્ર દ્વારા ક્રેન અને બચાવ દળોની મદદથી માર્ગ વ્યવહાર પુનઃસ્થાપિત કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.
મૃતકોની ચોક્કસ સંખ્યા અને ઇજાગ્રસ્તોની સત્તાવાર વિગતો અંગે હજુ સુધી અંતિમ જાહેરાત કરવામાં આવી નથી. પોલીસે અકસ્માતના કારણોની તપાસ શરૂ કરી છે. આ દુર્ઘટનાએ ગુજરાત અને મહારાષ્ટ્રના મુસાફરોમાં શોકની લાગણી વ્યાપી છે.




