પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવા માટે તેમજ વધુ ને વધુ ખેડૂતો પ્રાકૃતિક ખેતી તરફ વળે તે માટે રાજ્ય સરકાર દ્વારા પરિણામલક્ષી પ્રયાસો હાથ ધર્યા છે. તેમજ ભારત સરકારના કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલય દ્વારા પ્રોજેક્ટ આઉટ સ્કેલિંગ ઓફ નેચરલ ફાર્મિંગ, થ્રુ કેવીકે અંતર્ગત કેવીકે ચાસવડ દ્વારા પ્રાકૃતિક ખેતીની એક દિવસીય તાલીમનું આયોજન પણ થઈ રહ્યું છે. જેમાં જુદા જુદા તાલુકાઓના ક્લસ્ટરમાં સમાવિષ્ટ ગામમાં પ્રાકૃતિક કૃષિ વિષયક તાલીમ યોજાઈ રહી છે.
આ તાલીમમાં કૃષિ વિજ્ઞાન કેન્દ્રના વિસ્તરણ વિષયના વિષય નિષ્ણાંત હર્ષદ એમ વસાવા દ્વારા પ્રાકૃતિક ખેતીમા શું શું ધ્યાન રાખવુ જોઈએ અને એની મહત્વતા તેમજ સ્વાસ્થ્ય માટે કેટલુ ઉપયોગી છે તે અંગેની વિગતવાર માહિતી પુરી પાડવામાં આવી હતી. અને ઉપસ્થિત તમામ ખેડૂતોને પ્રાકૃતિક ખેતી તરફ આગળ વધવા માટે પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. વધુમાં ખેતી પાકોમાં જીવાત નિયત્રણ માટે અગ્નિઅસ્ત્ર દવા કઈ રીતે બાનવવી અને ખેતી પાકોમાં જીવાત નિયંત્રણ માટે કેવી રીતે ઉપયોગ કરવો તેનો પ્રેક્ટિકલ બતાવી સમજ આપી હતી.
તેમજ આ દવા બહેનો સહેલાઈ થી બનાવી શકે અને તેનું વેચાણ કરી આવકનો સ્ત્રોત પણ ઊભો કરી શકે છે. આ તાલીમમાં ૧૦ જેટલી સખી મંડળની ૬૦ થી વધુ ખેડૂત બહેનો જોડાઈ હતી. આ સાથે જ પ્રાકૃતિક ખેતીના મુખ્ય આયામો જીવામૃત, બીજામૃત, ઘન જીવામૃત, આચ્છાદાન, વાફસા, ખાટી છાસ, ગૌ મૂત્ર, રાખના ઉપયોગ વિશે ખુબ ઊંડાણપૂર્વક માહિતી આપવામાં આવી હતી. તેમજ તમામ લોકોને પ્રાકૃતિક ખેતીના ફાયદાઓ વિશે માહિતગાર કરવામાં આવ્યાં હતાં.
