આણંદ-તારાપુર રોડ ઉપર પલોલ ગામની સીમમાં એક એસટી બસના ચાલકે પોતાની બસ પુરઝડપે અને ગફલતભરી રીતે હંકારી એક બાઈકને અડફેટે લેતા બાઈક ચાલકનું ગંભીર ઈજાઓ થવાના કારણે ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. અમદાવાદના ધોળકા ગામે રહેતા રાજુભાઈ પ્રભુભાઈ રાઠોડના નાના ભાઈ મહેશભાઈ સોજિત્રા તાલુકાના મલાતજ ગામે પોતાની સાસરીમાં જવા શુક્રવારે બાઈક લઈને નીકળ્યા હતા.
તે આણંદ-તારાપુર રોડ પર આવેલા પલોલ ગામની સીમમાંથી પસાર થઈ રહ્યા હતા. ત્યારે એસટી બસના ચાલકે ઓવરટેક કરવા જતા બાઈકને ટક્કર મારી હતી. જેથી બાઈક ચાલક મહેશભાઈ રોડ પર પટકાયા હતા. અકસ્માતને પગલે આસપાસના લોકો ઘટનાસ્થળે એકત્ર થઈ ગયા હતા અને ગંભીર રીતે ઈજાગ્રસ્તને ૧૦૮ મોબાઈલ વાન મારફતે સોજિત્રાના સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે લઈ જવામાં આવ્યા હતા. જ્યાં તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા. બનાવ અંગે સોજિત્રા પોલીસે એસટી બસના ચાલક વિરૂદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.




