અમદાવાદ શહેરમાં સર્જાયેલ હૃદયદ્રાવક વિમાન દુર્ઘટનામાં સવાર 241 લોકોનાં મોત થયા હતા. જેમાં એકમાત્ર વ્યક્તિ વિશ્વાસ કુમાર રમેશનો ચમત્કારિક બચાવ થયો હતો. જે હાલ સારવાર હેઠળ હોસ્પિટલમાં છે. તેની સ્થિતિ સામાન્ય છે. વિશ્વાસ કુમાર રમેશે મીડિયા ઇન્ટરવ્યુમાં પોતાનો બચાવ કેવી રીતે થયો તેના વિશે જણાવ્યું હતું. વિશ્વાસ કુમાર રમેશે જણાવ્યું કે, વિમાન જેવું રનવે પર સ્પીડથી ટેક ઓફ કરવાની તૈયારીમાં હતું. ત્યારે જ કંઈક અજીબ અનુભવ થયો. અચાનક 5-10 સેકન્ડ માટે વિમાન અટકી ગયું હતું. બાદમાં અચાનક ગ્રીન અને વ્હાઇટ લાઇટ્સ ઓન થઈ ગઈ. જાણે એવું લાગ્યું કે, પાયલોટે માંડ-માંડ પ્લેનને ટેક ઓફ કરાવ્યું હોય. બાદમાં સ્પીડમાં જ પ્લેન સીધું હોસ્ટેલની બિલ્ડિંગમાં જઈને અથડાયું. મારી આંખો સામે જ આખું પ્લેન બળીને ખાખ થયું હતું.
આગળ વિશ્વાસ કહ્યું કે, મારી સીટ પ્લેનના જે હિસ્સામાં હતી. તે હિસ્સો જ બિલ્ડિંગના નીચલા હિસ્સા સાથે અથડાયો હતો.
આ દુર્ઘટનામાં મારો ડાબો હાથ બળી ગયો હતો. પરંતુ મારો જીવ બચી ગયો. મેં બહાર આવીને જોયું તો ચારેકોર આગ અને ધુમાડાના ગોટે-ગોટા હતા. જો મને બહાર નીકળવામાં થોડી સેકન્ડ વધુ થઈ હોત તો હું પણ..વિશ્વાસ અને તેનો ભાઈ અજય બંને બ્રિટનના લેસ્ટરમાં રહેતા હતા. બંને સાથે જ ફ્લાઇટમાં લંડન જઈ રહ્યા હતા. વિશ્વાસના અન્ય એક ભાઈ નયને જણાવ્યું કે, અમારી વિશ્વાસ સાથે વાત થઈ હતી. તે હોસ્પિટલમાં સુરક્ષિત છે. પરંતુ બીજા ભાઈ અજયની ભાળ મળી નથી. તે પણ વિશ્વાસની જેમ સુરક્ષિત હોય તેવી આશા છે. વિશ્વાસને પ્લેન કેવી રીતે ક્રેશ થયું તેની જાણકારી નથી. તેને તે પણ નથી ખબર કે, તેનો જીવ કેવી રીતે બચ્યો. પરંતુ તેનો ભાઈ અજય હજુ સુધી મળ્યો નથી. જેથી તેનો પરિવાર શોકમાં છે.
