પહલગામ આતંકી હુમલા બાદ ભારત-પાકિસ્તાન વચ્ચે યુદ્ધના ભણકારા વાગી રહ્યા છે, ત્યારે કેન્દ્ર સરકારે યુદ્ધની પરિસ્થિતિને ધ્યાને રાખી તમામ રાજ્યોને ‘સિવિલ ડિફેન્સ મોક ડ્રીલ’ યોજવાના નિર્દેશ આપ્યા છે. આજે સાંજે 4 વાગે અમદાવાદ, વડોદરા સહિતના શહેરોમાં સાઇરન વગાડી સિવિલ ડિફેન્સ મોક ડ્રીલ શરૂ કરાઇ હતી અને ત્યારબાદ બ્લેક આઉટ થશે. બ્લેક આઉટ સાંજે 7.30 થી 9:00 વાગ્યા દરમિયાન ઝોન વાઇઝ બ્લેક આઉટ યોજાશે. પૂર્વ ગુજરાતના સાત જિલ્લા ડાંગ, ભરૂચ, નવસારી, નર્મદા, સુરત, વડોદરા અને તાપીમાં 7.30 થી 8:00 વાગ્યા સુધી બ્લેકઆઉટ કરાશે. પશ્ચિમ ગુજરાતના 5 જિલ્લા જામનગર, કચ્છ, દેવભૂમિ દ્વારકા, ગીર સોમનાથ અને મોરબીમાં 8:00 થી 8.30 સુધી બ્લેક આઉટ રહેશે. મધ્ય ગુજરાતના 6 જિલ્લા બનાસકાંઠા, પાટણ, મહેસાણા, ભાવનગર, ગાંધીનગર અને અમદાવાદમાં 8.30થી 9:00 વાગ્યા સુધી બ્લેક આઉટ રહેશે.
આ ઉપરાંત લિફ્ટનો ઉપયોગ ટાળવો જોઈએ તથા સ્થળાંતર સમયે સીડીનો ઉપયોગ કરવો જોઈએ, આજે રાજ્યમાં સાંજે 7.30થી 9.00 દરમિયાન વિવિધ જિલ્લાઓમાં અલગ-અલગ સમયે અડધો કલાક માટે બ્લેકઆઉટ રહેશે, જે દરમિયાન ઘરો, ઑફિસો અને વાહનોમાં તમામ લાઇટ બંધ કરો અથવા ઢાંકી દો. પ્રકાશ લીકેજ અટકાવવા માટે બ્લેકઆઉટ પડદા અથવા ભારે કાપડનો ઉપયોગ કરો. બારીઓ પાસે મોબાઇલ ફોન અથવા ફ્લેશલાઇટનો ઉપયોગ કરવાનું ટાળો, નાગરિક સંરક્ષણ અધિકારીઓ તરફથી રેડિયો અથવા જાહેરાતો દ્વારા સત્તાવાર સૂચનાઓ આપવામાં આવે તેનું પાલન કરો, અફવાઓ કે ખોટી માહિતી ફેલાવવી નહીં તથા જેઓ પ્રક્રિયાઓથી અજાણ છે તેવા પડોશીઓને મદદ અને માર્ગદર્શન આપો.
