આણંદનાં વાસદ-બગોદરા હાઈવે પર પેટલાદ તાલુકાનાં નાર ગામની સીમમાં બોલેરો કારે ટક્કર મારતા રિક્ષાનો કચ્ચરઘાણ વળી ગયો હતો. રિક્ષામાં સવાર તારાપુરના બે વ્યક્તિઓના ઘટના સ્થળે જ મોત નિપજ્યા હતા. પેટલાદ ગ્રામ્ય પોલીસે બોલેરો ચાલક વિરૂદ્ધ અકસ્માતનો ગુનો દાખલ કર્યો હતો. તારાપુર ખાતે રહેતા ગોરધનભાઈ રામાભાઇ પરમાર તથા રાવજીભાઈ સનાભાઇ વાલમિક ગઈકાલે સાંજે સીએનજી રીક્ષામાં જઈ રહ્યા હતા.
વાસદ બગોદરા હાઈવે માર્ગ પર આવેલા પેટલાદ તાલુકાના નાર ગામની સીમમાં આવેલી હોટલ પાસેથી પસાર થઈ રહ્યા હતા. દરમિયાન સામેથી પુરઝડપે આવી ચડેલી બોલેરો કારે રીક્ષાને ટક્કર મારતા રીક્ષાનો બુકડો બોલી ગયો હતો. રિક્ષામાં સવાર ગોરધનભાઈ તથા રાવજીભાઈને ગંભીર ઇજાઓ પહોંચી હતી.
અકસ્માતને પગલે આસપાસના સ્થાનિકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા. સ્થળ પર પહોંચેલી ૧૦૮ની ટીમે બંને ઇજાગ્રસ્તોને તપાસીને મૃત જાહેર કર્યા હતા. પોલીસે બંને મૃતદેહોનો કબજો લઈ પોસ્ટમોર્ટમ અર્થે પેટલાદની સિવિલ હોસ્પિટલમાં મોકલી આપ્યા હતા. બનાવ અંગે પેટલાદ ગ્રામ્ય પોલીસે બોલેરો કારના ચાલક વિરુદ્ધ અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.
