બોમ્બે હાઈકોર્ટની નાગપુર પીઠે પોક્સોના કેસમાં યુવકને નિર્દોષ જાહેર કર્યો છે. પીઠનું કહેવું છે કે, ‘I Love You’એ માત્ર લાગણીની અભિવ્યક્તિ છે. આ જાતીય સતામણી ન કહેવાય. જ્યા સુધી કોઈ શબ્દો સાથે એવુ વર્તન ન હોય, જે સ્પષ્ટપણે જાતીય શોષણનો ઈરાદો દર્શાવતા હોય. આવું કહીને જસ્ટિસ ઉર્મિલા જોશી-ફાલ્કેની પીઠે 2015માં એક કિશોરી સાથે છેડતી કરવાના આરોપી 35 વર્ષીય પુરુષને નિર્દોષ જાહેર કર્યો હતો.
બાર અને બેન્ચના રિપોર્ટ પ્રમાણે કેસની સુનાવણી કરતાં બેન્ચે તેના આદેશમાં કહ્યું હતું કે, કોઈપણ જાતીય કૃત્યમાં ખરાબ રીતે સ્પર્શ, બળજબરીથી કપડાં ઉતારવા, અભદ્ર ઈશારા અથવા મહિલાની ગરિમાને ઠેસ પહોંચે તેવા ઈરાદે કરવામાં આવેલી ટિપ્પણીઓનો સમાવેશ થાય છે. આ પહેલા નાગપુરની એક સેશન્સ કોર્ટે વર્ષ 2017માં ભારતીય દંડ સંહિતા અને જાતીય ગુનાઓથી બાળકોના રક્ષણ (POCSO) અધિનિયમ હેઠળ આ વ્યક્તિને દોષિત ઠેરવ્યો હતો. બેન્ચે તેને ત્રણ વર્ષની જેલની સજા પણ ફટકારી હતી. આ વ્યક્તિ પર આરોપ હતો કે, તેણે 17 વર્ષની કિશોરીને સ્કૂલથી પરત આવી રહી તે સમયે હેરાન કરી હતી. ફરિયાદમાં કહેવામાં આવ્યું છે કે, આ વ્યક્તિએ તેનો હાથ પકડ્યો હતો અને ‘આઈ લવ યુ’ કહ્યું હતું. આ વાત કિશોરીએ ઘરે આવીને તેના પિતાને કહી હતી, જે પછી કિશોરીના પિતાએ FIR નોંધાવી હતી. હાઈકોર્ટે વ્યક્તિની સજાને રદ કરતા કહ્યું કે, એવી કોઈ પરિસ્થિતિ નથી કે જેનાથી ખ્યાલ આવે કે તેનો ઈરાદો છોકરી પર જાતીય હુમલો કરવાનો હતો.
