કારમાં બોગસ નંબર પ્લેટથી દારૂની ખેપ મારતો બુટલેગર ઝડપાયો છે. આ બુટલેગર સામે અનેક ગુના નોંધાયા હોવાનું પોલીસે જણાવ્યું હતું. જહાંગીરપુરા ખાતે કેનાલ રોડ ઉપર આવેલા વૈષ્ણોદેવી સ્કાય એપાર્ટમેન્ટમાં રહેતા અને લોન એજન્ટ તરીકે કામ કરતા રાજેન્દ્ર ધીરજલાલ વાઢેરે પોલીસ મથકમાં ફરિયાદ કરતાં જણાવ્યું છે કે તેમના સંબંધીની કાર (જીજે/૫/આરએ/૪૩૫૨) તેમની પાસે હતી, પરંતુ આ કારના અનેકવાર વધુ સ્પીડ સહિત ટ્રાફિકના નિયમભંગ કરતાં મેમો ઘરે આવતા હતા. જે અંગે ટ્રાફિક પોલીસને જાણ કરી હતી. જેમાં આ નંબરની નિશાન માઇક્રા કારની પ્લેટ બદલીને અન્ય કોઈ ઉપયોગ કરતો હોવાની શંકાના આધારે તલસ્પર્શી તપાસ હાથ ધરી હતી.
દરમિયાન વલસાડ ખેરલાવ ગામે વાણિયાવાડમાં રહેતા બુટલેગર અંકિત હસમુખભાઈ પત્તેકર સુરત શહેરમાં અવારનવાર દારૂની ખેપ મારવા આવતો હતો. બીજી તરફ ગત તા. ૧ જુલાઈના રોજ સાંજે નિશાન માઈકા કાર લઈને અંકિત પત્તેકર પીપલોદ સ્થિત એસવીએનઆઈટી કોલેજ સર્કલ પાસેથી પસાર થઈ રહ્યો હતો એ સમયે પોલીસે અંકિત પટેલને પકડી પાડીને ઉમરા પોલીસને સુપરત કર્યો હતો. પીએસઆઇ બી.ડી.વાઘે તપાસ કરતાં અંકિત ૧૦ કરતાં વધુ પ્રોહિબિશનના ગુના અને પાસા હેઠળ પકડાયેલ હોવાનું બહાર આવ્યું હતું. તેમજ અગાઉ પણ બોગસ નંબર પ્લેટનો ઉપયોગ કરતાં તેની વિરુદ્ધ પોલીસે કાર્યવાહી કરી હતી.




