એક દિવસ પહેલા એક જાહેર કાર્યક્રમમાં રાષ્ટ્ર ગીતનું અપમાન કરવાના આક્ષેપ બદલ બિહારના બંને ગૃહોમાં આજે હોબાળો થયો હતો અને બિહારના મુખ્યપ્રધાન નીતીશ કુમાર પર જોરદાર પ્રહારો કરવામાં આવ્યા હતાં. સેપક ટકરાવ વર્લ્ડ કપ ૨૦૨૫ના ઉદ્ધાટન સમારંભમાં જ્યારે રાષ્ટ્ર ગીત શરૂ કરવામાં આવ્યું તો મુખ્યપ્રધાન નીતીશકુમાર સ્ટેજ પરથી ઉતરીને સ્પર્ધકો સાથે હાથ મિલાવવા લાગ્યા હતાં.
જેના કારણે રાષ્ટ્ર ગીત અટકાવવાની ફરજ પડી હતી. ત્યારબાદ ફરીથી રાષ્ટ્ર ગીત શરૂ થયો તો પણ નીતીશ કુમાર હસતા જોવા મળ્યા હતાં અને બાજુમાં ઉભેલા તેમના મુખ્ય સચિવ દીપક કુમારને પકડીને કંઇક કહી રહ્યાં હતાં. વિધાન પરિષદમાં રાજદના સભ્યો ત્રિરંગા, પોસ્ટર્સ અને બેનર્સ લઇને આવ્યા હતાં. 
વિધાનસભામાં મુખ્યપ્રધાન નીતીશકુમાર પણ હાજર હતાં. વિધાનસભા અધ્યક્ષ નંદ કિશોર યાદવે જણાવ્યું હતું કે, આ મુદ્દો પ્રશ્ર કાળ દરમિયાન ઉઠાવી શકાય તેમ છે અને હાલમાં ગૃહની નિર્ધારિત કાર્યવાહીને આગળ વધવા દો. જોકે રાજદના ધારાસભ્યોએ સૂત્રોચ્ચાર કરવાનું ચાલુ રાખ્યું હતું અને કેટલાક સભ્યો અધ્યક્ષની ખુરશી સુધી પહોંચી ગયા હતાં. વિરોધ પક્ષે માંગ કરી છે કે મુખ્યપ્રધાન આ મુદ્દે બિન શરતી માફી માંગે. યાદવે વિધાનસભાની બહાર પત્રકારોને જણાવ્યું હતું કે આ નાનો મુદ્દો નથી. જો મુખ્યપ્રધાન માફી નહીં માંગે તો એક ખોટું ઉદાહરણ બેસશે.



