આણંદ શહેરના સામરખા ચોકડી નજીકના સર્વિસ રોડ ઉપર એક લોડીંગ ટ્રકનાં ચાલકે પોતાનું વાહન રીસર્વ હંકારી લાવી એક રાહદારી મહિલાને અડફેટે લેતા પટકાયેલ મહિલા ઉપર લોડીંગ ટ્રકના તોતિંગ વ્હીલ ફરી વળતા મહિલાનું ગંભીર ઈજાઓ પહોંચતા ઘટના સ્થળે જ કરૂણ મોત નીપજ્યું હતું. સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ, આણંદ શહેરમાં મોટી શાક માર્કેટ સામે આવેલ સલાટીયાપુરામાં રહેતા શાંતાબેન ભયલાલભાઈ ઠાકોર સવારના સુમારે ઘરેથી મહેળાવ ખાતે બેસણાંમાં જવા માટે નીકળ્યા હતા.
તેઓ આણંદ શહેરની સામરખા ચોકડી નજીક સર્વિસ રોડ ઉપરથી ચાલતા પસાર થઈ રહ્યા હતા ત્યારે એક લોડીંગ ટ્રકના ચાલકે પોતાનું વાહન ગફલતભરી રીતે રીવર્સ હંકારી લાવી રાહદારી શાંતાબેનને ટક્કર મારી હતી. જેથી શાંતાબેન રસ્તા ઉપર પટકાયા હતા અને લોડીંગ ટ્રકનું પાછળનું વ્હીલ શાંતાબેન ઉપર ફરી વળતા ગંભીર રીતે ઘવાયેલ શાંતાબેનનું ઘટના સ્થળે જ કરૂણ મોત નીપજ્યું હતું. અકસ્માતના પગલે આસપાસમાંથી સ્થાનિકોના ટોળા ઘટના સ્થળે એકત્ર થઈ ગયા હતા અને આ બનાવ અંગે 108 તેમજ આણંદ શહેર પોલીસને જાણ કરતા પોલીસની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી. બનાવ અંગે મૃતક શાંતાબેનના પુત્ર જ્યંતિભાઈ ભયલાલભાઈ ઠાકોરે આણંદ શહેર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ટ્રકચાલક વિરૂધ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.




