કેન્દ્રીય માધ્યમિક શિક્ષણ બોર્ડે (CBSE) ફરી એકવાર વિદ્યાર્થીઓને વોર્નિંગ આપી છે કે, જે લોકો નિયમિત ક્લાસમાં આવી રહ્યા નથી. તેઓને બોર્ડની પરીક્ષામાં બેસવા દેવામાં આવશે નહીં. સાથે ડમી સ્કૂલ પ્રણાલીને પ્રોત્સાહન આપતી શાળાઓ વિરૂદ્ધ પણ કડક કાર્યવાહી હાથ ધરવાની જાહેરાત કરી છે.સીબીએસઈએ નિયમિત શાળાઓમાં અભ્યાસ ન કરતાં વિદ્યાર્થીઓને ધોરણ 12ની બોર્ડ પરીક્ષામાં હાજરી ન આપવાનો આદેશ આપ્યો છે. અધિકારીએ જણાવ્યું કે, ડમી સ્કૂલમાં પ્રવેશ મેળવવાની જવાબદારી વિદ્યાર્થી તથા તેમના માતા-પિતાની રહેશે. સીબીએસઈ પોતાની પરીક્ષા નિયમાવલીમાં સંશોધન કરવા પર વિચારણા કરી રહ્યું છે.
નવા નિયમો અનુસાર, ડમી સ્કૂલમાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓને બોર્ડની પરીક્ષામાં બેસવાની મંજૂરી મળશે નહીં.
તેનાથી વધુ દિવસ ગેરહાજર રહેવા પર પરીક્ષામાં બેસવા દેવામાં આવશે નહીં. ઘણા વિદ્યાર્થીઓ એન્જિનિયરિંગ, અને મેડિકલ પ્રવેશ પરીક્ષાઓની તૈયારી કરતાં હોવાથી ડમી સ્કૂલમાં પ્રવેશ મેળવે છે. જેથી તેઓ સંપૂર્ણપણે કોમ્પિટેટિવ એક્ઝામની તૈયારીઓ પર ધ્યાન કેન્દ્રિત કરી શકે. તેમજ અમુક વિદ્યાર્થીઓ રાજ્ય ક્વોટાનો લાભ મેળવવા માટે ડમી સ્કૂલમાં એડમિશન લેતાં હોય છે. જેમ કે, દિલ્હીની મેડિકલ કોલેજમાં દિલ્હી રાજ્ય ક્વોટા મેળવવા માટે ઘણા વિદ્યાર્થીઓ દિલ્હીની ડમી સ્કૂલમાં એડમિશન લે છે. આ વિદ્યાર્થીઓ માત્ર પરીક્ષા આપવા પૂરતાં જ શાળામાં આવે છે. તે સિવાય તેઓ ગેરહાજર રહે છે. જેથી સીબીએસઈએ આ ચિંતાને ધ્યાનમાં લેતાં નવુ ફરમાન બહાર પાડ્યું છે.
