Follow Us

Address: Press karyalay 1st Floor,103 Pashvadarsan Complex Nr.daxinapath Vidhyalay Ta.vyara District.Tapi (Gujarat)

દેશભરમાં ૧ માર્ચ ૨૦૨૭થી પ્રથમ વખત જ્ઞાતિ આધારિત વસતી ગણતરી કરવામાં આવશે

Picture of Gujarat Samrajya

Gujarat Samrajya

વર્ષ ૨૦૧૧ બાદ પ્રથમ વખત સમગ્ર દેશમાં વસતી ગણતરી થવા જઇ રહી છે. દેશભરમાં ૧ માર્ચ ૨૦૨૭થી વસતી ગણતરી થશે. પ્રથમ વખત જ્ઞાતિ આધારિત વસતી ગણતરી કરવામાં આવશે. કેટલાક પહાડી રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશો જેમ કે લદ્દાખ, જમ્મુ કાશ્મીર, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડમાં વસતી ગણતરીની શરૂઆત ૧ ઓક્ટોબર ૨૦૨૬થી એટલે કે આગામી વર્ષથી જ કરી દેવામાં આવશે. જ્યારે દેશભરમાં વસતી ગણતરી માર્ચ ૨૦૨૭થી શરૂ થશેકેન્દ્ર સરકારના અધિકારીઓએ જણાવ્યું હતું કે આ વખતની વસતી ગણતરી બે તબક્કામાં કરવામાં આવશે. ૧ ઓક્ટોબર ૨૦૨૬થી શરૂ થનારી આ પ્રક્રિયા ત્રણ વર્ષ સુધી ચાલશે.

કેન્દ્ર સરકારે તાજેતરમાં જ જ્ઞાતિ આધારિત વસતી ગણતરી કરવાની જાહેરાત કરી હતી. જોકે કોઇ તારીખ જાહેર નહોતી કરી, વિપક્ષ દ્વારા પણ વહેલા વસતી ગણતરીની માગણી ઉઠી રહી હતી. એવામાં હવે સરકારે વસતી ગણતરીની તારીખો જાહેર કરી દીધી છે. જોકે પ્રથમ વખત સમગ્ર દેશમાં જ્ઞાતિ (જાતિ) આધારિત વસતી ગણતરી થવા જઇ રહી છે. કેટલાક રાજ્યો જેમ કે બિહાર, તેલંગાણા, આંધ્ર પ્રદેશમાં છેલ્લા ત્રણ વર્ષમાં જાતિ આધારિત સરવે હાથ ધરાઇ ચુક્યો છે. જ્યારે કર્ણાટકે આ જ પ્રકારનો સરવે વર્ષ ૨૦૧૫માં કર્યો હતો જેના આંકડા હવે જાહેર કરશે. દર દસ વર્ષે દેશની વસતી ગણતરી થતી આવી છે. છેલ્લે વર્ષ ૨૦૧૧માં વસતી ગણતરી થઇ હતી.

જે બાદ વર્ષ ૨૦૨૧માં આ ગણતરી થવાની હતી. પરંતુ કોરોના મહામારીને કારણે દેશવ્યાપી ગણતરીની પ્રક્રિયા હાથ ધરવી મુશ્કેલ હોવાથી તારીખ લંબાવાઇ હતી. તાજેતરમાં સ્માર્ટફોન અને એઆઇ જેવી ટેક્નોલોજી ભારે ચલણમાં છે. એવામાં આ વખતે વસતી ગણતરીની પ્રક્રિયા પણ સંપૂર્ણપણે ડિજિટલ હશે. અગાઉ કેન્દ્ર સરકારે જાહેરાત કરી હતી કે વસતી ગણતરીના ડેટા એકઠા કરવા માટે તેના પર ધ્યાન રાખવા માટે એક મોબાઇલ એપ્લિકેશન તૈયાર કરાઇ છે. સાથે જ એક વસતી આધારિત વેબસાઇટ પણ જાહેર કરવામાં આવશે. વસતી ગણતરી દેશના નાગરિકોની આર્થિક, સામાજિક અને ભૌગોલિક સહિતની તમામ સ્થિતિની જાણકારી મેળવવાની દેશની સૌથી મોટી પ્રક્રિયા માનવામાં આવે છે. હવે તેમાં જ્ઞાતિનો પણ સમાવેશ કરવામાં આવશે.

વસતી ગણતરીથી જે પણ ડેટા મળે છે તેના આધારે સરકાર સમાજના વંચિત અને ગરીબ વર્ગ માટે મહત્વની યોજનાઓ ઘડતી હોય છે. કેન્દ્ર સરકારે બુધવારે જાહેર કરી હતી કે આ વખતની વસતી ગણતરીની પ્રક્રિયા બે તબક્કામાં હાથ ધરવામાં આવશે. પ્રથમ તબક્કો ૧ ઓક્ટોબર ૨૦૨૬થી શરૂ થશે જેમાં પહાડી અને હિમ પ્રભાવિત રાજ્યો કે કેન્દ્ર શાસિત પ્રદેશો જેમ કે જમ્મુ કાશ્મીર, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, લદ્દાખ વગેરેનો સમાવેશ કરાશે. જ્યારે બીજા તબક્કામાં બાકી રહેલા તમામ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં વસતી ગણતરી થશે જેની શરૂઆત ૧ માર્ચ ૨૦૨૭થી થશે. જેને પગલે આ સમગ્ર પ્રક્રિયાને પૂર્ણ થવામાં આશરે ત્રણ વર્ષ જેટલો સમય લાગી શકે છે. વસતી ગણતરી માટેનું નોટિફિકેશન સત્તાવાર ગેઝેટમાં ૧૬ જૂન, ૨૦૨૫ના રોજ જાહેર કરવામાં આવશે. દેશમાં વસતી ગણતરી વસતી કાયદો ૧૯૪૮ અને વસતી નિયમો ૧૯૯૦ હેઠળ હાથ ધરાય છે. અગાઉ વર્ષ ૨૦૧૧માં પણ બે તબક્કામાં વસતી ગણતરી કરવામાં આવી હતી.

Leave a Comment

Leave a Comment

error: Content is protected !!