રાજકોટનાં ભગવતીપરા વિસ્તારમાં બે પક્ષો વચ્ચે તલવાર, ધોકા, પાઇપ જેવા ઘાતક હથિયારો વડે મારામારી થતાં બંને પક્ષના છએક શખ્સો ઘવાયા હતા. બી ડીવીઝન પોલીસે એક પક્ષની ફરિયાદ પરથી હત્યાની કોશિષ અને બીજા પક્ષની ફરિયાદ પરથી હુમલા સહિતની કલમો હેઠળ ગુનો દાખલ કરી તપાસ આગળ ધપાવી છે. પરિણીતાને મેસેજ કરવા બાબતે બંને પક્ષો વચ્ચે મારામારી થયાનું બહાર આવ્યું છે. ભગવતીપરાની બોરીચા સોસાયટીમાં રહેતા અને નિવૃત જીવન વિતાવતા રણજીતસિંહ ખેંગારજી જાડેજા (ઉ.વ.65)એ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે, તેના સગા મોટા સાળી સજ્જનબાના દીકરા છોટુભા ગાંડુભા જાડેજા (ઉ.વ.૪૫) તેના પરિવાર સાથે નજીકમાં રહે છે. તેની પુત્રી ધર્મિષ્ઠાબાના લગ્ન થઇ ગયા છે.
જે હાલ સાસરે છે. ધર્મિષ્ઠાબાને અગાઉ પાડોશમાં રહેતા મયુર સાથે મિત્રતા હતી. જેની જાણ બંનેના પરિવારને થતાં બોલાચાલી બાદ સમાધાન થઇ ગયું હતું. જોકે ગઇકાલે રાત્રે તે ઘરે હતા ત્યારે શેરીમાં બોલાચાલીનો અવાજ આવતા બહાર નીકળીને જોયું તો છોટુભાના ઘરની બહાર શેરીમાં માણસો ઉભા હતા. જેથી ત્યા જતા તેના પત્ની, છોટુભાના પત્ની, તેનો દીકરો બ્રીજરાજસિંહ, આટો મારવા આવેલી પુત્રી ધર્મિષ્ઠાબા, તેને તેડવા આવેલા તેના પતિ યશપાલસિંહ નરેન્દ્રસિંહ ઝાલા (રહે.ગાંધીગ્રામ) ઉભા હતા. સાથોસાથ ત્યાં દેવાણંદભાઈ મઠીયાના બે પુત્રો મયુર અને સાગર ઉપરાંત તેના કાકા ચકુભાઈના બે પુત્ર હિતેશ અને ભરત, પાડોશમાં રહેતા લક્ષ્મણભાઈ મઠીયાના બે પુત્રો પણ હાજર હતા. જેમાંથી મયુર અને સાગરના હાથમાં તલવાર હતી.
મયુર ધર્મિષ્ઠાબાના લગ્ન થઇ ગયા હોવા છતાં તેને મેસેજ કરતો હતો. રાત્રે ધર્મિષ્ઠાના પતિ યશપાલસિંહ સસરાના ઘરે આવ્યાની જાણ થતાં મયુર સહિતના આરોપીઓ ઝગડો કરવા આવ્યા હતા. આ આરોપીઓએ તલવાર અને ધોકાથી બ્રીજરાજસિંહના ટુ વ્હીલરમાં તોડફોડ કરી તેના જમાઇ યશપાલસિંહની ઇનોવા કારના બધા કાચ ફોડી નાખ્યા હતા. આરોપીઓને રોકવા જતા ગાળાગાળી કરી હતી. એટલું જ નહીં મયુરે યશપાલસિંહને કહ્યું કે, તું બહાર નીકળજે, તને જાનથી મારી નાખવો છે. બાદમાં પોતાની પાસે રહેલી તલવારનો ઘા મારવા જતાં ડાબો હાથ આડો દેતા કાંડા પર ઇજા થઇ હતી. આ વખતે મીનાબા છોડાવવા જતાં સાગરે તેને ધોકો ઝીંકી દીધો હતો. બ્રીજરાજસિંહ વચ્ચે પડતાં આરોપીઓએ તેને મૂઢ માર માર્યો હતો. આખરે તે પણ છોડાવવા વચ્ચે પડતાં મયુરે તલવારનો ઘા ઝીંક્યો હતો.
પરંતુ દૂર ખસી જતાં ડાબી આંખની નેણ પાસે અને ડાબા ખભા પાસે ઇજા થઇ હતી. માણસો ભેગા થઇ જતાં કોઇએ પોલીસ કંટ્રોલ રૂમને કોલ કરતાં આરોપીઓ ભાગી ગયા હતા. તેને તલવારને કારણે લોહી નીકળતા 108માં સિવિલમાં જઇ સારવાર લીધી હતી. આ ફરિયાદના આધારે પોલીસે મયુર, તેના ભાઈ સાગર, હિતેશ ચકુભાઈ મઠીયા, તેના ભાઇ ભરત અને લક્ષ્મણ મઠીયાના બે પુત્રો સામે ગુનો નોંધ્યો હતો. હિતેશ વોર્ડ નં.4નો ભાજપનો કાર્યકર હોવાનું જાણવા મળ્યું છે. સામા પક્ષે ભગવતીપરાની મહાકાળી સોસાયટી શેરી નં.2માં રહેતા સાગર (ઉ.વ.28)એ નોધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે, તે બાંધકામની લગતી વસ્તુઓનો ધંધો કરે છે. તેના નાના ભાઈ મયુરના લગ્ન થઇ ગયા છે. અગાઉ તેને ધર્મિષ્ઠાબા સાથે મિત્રતા હતી. જેની બંને પરિવારોને જાણ થતાં સમાધાન થઇ ગયું હતું.
રાત્રે તે બેડી ગામે પોતાના ધંધા પર હતો ત્યારે મયુરે કોલ કરી ધર્મિષ્ઠાબાનો ભાઈ બ્રિજરાજસિંહ અને તેનો પતિ ઉપરાંત અન્ય આરોપીઓ ગાળાગાળી અને માથાકૂટ કરતા હોવાનું જણાવતા તેણે મોટાબાપુના પુત્રોને ત્યાં પહોંચવાનું જણાવ્યા બાદ તે પણ આવી ગયો હતો. તે વખતે બ્રિજરાજસિંહ, તેના બનેવી ઉપરાંત છત્રપાલસિંહે ગાળાગાળી શરૂ કરી હતી. એટલું જ નહીં તેની સાથે રહેલા ચિરાગ દલાભાઈ વાઘેલાને ગડદાપાટુનો માર મારી, ગાળો ભાંડી ટીશર્ટ ફાડી નાખ્યું હતું. જે તે વખતે બંને પક્ષના લોકો ત્યાંથી છૂટા પડી ગયા બાદ રાત્રે તેના પક્ષના લોકો છોટુભાના ઘરે માથાકૂટ બાબતે વાતચીત કરવા ગયા હતા. તે વખતે આરોપીઓએ ગાળો ભાંડી હતી. એટલું જ નહીં તલવારનો એક ઘા તેના માથામાં ઝીંકી દીધો હતો. જ્યારે બીજો ઘા પણ કરવા જતાં તેણે ડાબો હાથ આગળ રાખતા કોણીમાં ઇજા થઇ હતી.
તેનો ભાઇ મયુર છોડાવવા આવતા બ્રિજરાજસિંહે તેની ઉપર પણ તલવાર વડે હુમલો કર્યો હતો. છોટુભાએ બધાને ગડદાપાટુનો માર મારી, ગાળો ભાંડી હતી. ત્યારપછી તેને અને તેના ભાઈ મયુરને લોહીલુહાણ હાલતમાં ખાનગી હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. તે વખતે તેને જાણવા મળ્યું હતું કે તેના સંબંધીના પુત્રો અજય અને કરન ઘરેથી બાઇક લઇ તેને હોસ્પિટલ ખાતે મળવા આવતા હતા ત્યારે રસ્તામાં તેમની સાથે ઝગડો કરનાર અથવા તેના સગા-વહાલાઓએ અજય ઉપર પાઇપ વડે હુમલો કર્યો હતો. જેથી તેના માથામાં હેમરેજ થઇ ગયું હતું. આ રીતે આરોપીઓએ તેની હત્યાની કોશિષ કરી હતી. આ ફરિયાદના આધારે પોલીસે છોટુભા જાડેજા, તેના પુત્ર બ્રિજરાજસિંહ, છત્રપાલસિંહ અને છોટુભાની પુત્રીના પતિ વિરૂધ્ધ ગુનો દાખલ કર્યો હતો.




