રાજ્યમાં નશાકારક દવાઓના દુરુપયોગ અને ગેરકાયદેસર વેચાણને લઈને ગુજરાત પોલીસ દ્વારા તારીખ 9 જુલાઈએ રાજ્યભરની મેડિકલ સ્ટોર્સમાં મેગા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં રાજ્યના તમામ શહેરો અને જિલ્લાઓમાં પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ અધિકારીઓએ અલગ-અલગ ટીમો બનાવીને મેડિકલ સ્ટોર્સ ખાતે દરોડા પાડવામાં આવ્યા હતા. જેમાં અનેક મેડિકલ સ્ટોર્સ સંચાલક વિરુદ્ધમાં કેસ નોંધીને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે.
રાજ્યમાં નાર્કોટિક ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપિક સબસ્ટન્સ (NDPS) એક્ટ હેઠળ આવરી લેવાતી દવાઓનું પ્રિસ્ક્રિપ્શન વગર વેચાણ, પ્રતિબંધિત દવાઓનો જથ્થો, નિયમોની વિરુદ્ધ વધુ પડતો દવાઓનો સંગ્રહ અને મેડિકલ સ્ટોર્સ દ્વારા રાખી ન શકાય તેવી દવાઓના વેચાણને અટકાવવા તથા નશાકારક દવાઓનું પ્રિસ્ક્રિપ્શન વગર વેચાણ અટકાવવાને લઈને સઘન ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું.
તાપી જિલ્લામાં પણ સઘન ચેકીંગ હાથ ધરાયું હતું. તાપી પોલીસના જણાવ્યા પ્રમાણે જિલ્લામાં આવેલ મેડિકલ સ્ટોરોમાં ચેકીંગ કાર્યવાહી કરવા માટે કુલ-૩૨ પોલીસ ટીમો બનાવી ૧૫૬ મેડિકલ સ્ટોરમાં ચેક કરતાં કુલ ૧૦ મેડિકલ સ્ટોર ના માલિકો વિરુધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી. આપને અહીં એ પણ જણાવી દઈએ છીએ કે,જે ૧૦ મેડિકલ સ્ટોરો સામે કાર્યવાહી કરવામાં આવી છે,તેઓના નામ સુધ્ધાં જાહેર કરવામાં આવ્યા નથી.તે એક વિચાર માંગી લેતી બાબત છે.
