ગાંધીનગરનાં ચિલોડા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા દારૂનાં ગુન્હામાં ખુલેલું નામ કમી કરી દેવા ૩ લાખ રૂપિયા માંગીને ૧.૧૦ લાખની લાંચ લેતા પોલીસ કોન્સ્ટેબલને અમદાવાદ એ.સી.બી.ની ટીમ દ્વારા રંગે હાથ ઝડપી લેવામાં આવ્યો હતો અને તેની સામે ગુન્હો દાખલ કરી વધુ તપાસ શરૂ કરવામાં આવી હતી. મળતી માહિતી મુજબ, ગાંધીનગર જિલ્લાનાં ચિલોડા પોલીસ સ્ટેશનનો કોન્સ્ટેબલ ૧.૧૦ લાખ રૂપિયાની લાંચ લેતા રંગે હાથ ઝડપાયો હતો.
જે અંગે મળતી વિગતો મુજબ, અરજદાર મહિલાના પતિનું નામ ચિલોડા પોલીસ મથકમાં નોંધાયેલા દારૂના ગુન્હામાં ખુલ્યું હતું. જેના પગલે પોલીસ દ્વારા તેને વોન્ટેડ જાહેર કરીને તેના ઘરે પહોંચી હતી અને પોલીસ સ્ટેશન હાજર કરવા માટે જણાવ્યું હતું.
જેથી મહિલા યુવરાજસિંહને મળવા માટે પહોંચ્યા હતા અને જ્યાં તેણે દારૂના ગુન્હામાંથી તેમના પતિનું નામ કાઢી દેવા માટે ૩ લાખ રૂપિયાની માંગણી કરી હતી. જોકે મહિલાએ આટલી મોટી રકમ આપવા માટે સક્ષમ નહીં હોવાનું જણાવતા અંતે ૧.૧૦ લાખ રૂપિયા નક્કી કરવામાં આવ્યા હતા. જોકે મહિલા આ રૂપિયા આપવા માંગતા ના હોવાથી અમદાવાદ એ.સી.બી.નો સંપર્ક સાધ્યો હતો. જેના પગલે પોલીસ ઇન્સ્પેક્ટર એસ.એન બારોટ અને તેમની ટીમ દ્વારા ચિલોડા પોલીસ સ્ટેશન સામે છટકું ગોઠવવામાં આવ્યું હતું. જ્યાં પોલીસ કોન્સ્ટેબલ યુવરાજસિંહ ૧.૧૦ લાખ રૂપિયાની લાંચ લેતા રંગે હતા ઝડપાઈ ગયો હતો. તેની ધરપકડ કરીને એ.સી.બી. દ્વારા વધુ તપાસ શરૂ કરવામાં આવી છે અને આ રૂપિયા કોને કોને આપવાના હતા તે જાણવા માટે પણ મથામણ શરૂ કરવામાં આવી છે.
