સીઆઈએસએફ (સેન્ટ્રલ ઇન્ડસ્ટ્રિયલ સિક્યુરિટી ફોર્સ)ના જવાનો દેશના મહત્વપૂર્ણ ઔદ્યોગિક સાહસો, એરપોર્ટ, દરિયાઈ બંદરો, પરમાણું અને અંતરીક્ષ અનુસંધાન કેન્દ્રો, સરકારી ભવનો, પ્રવાસન કેન્દ્રો તથા અન્ય સંવેદનશીલ સંસ્થાઓની સુરક્ષા અર્થે રાત-દિવસ ખડેપગે રહે છે. ભરૂચ જિલ્લામાં પણ સુરક્ષા વ્યવસ્થા પણ CISF દ્વારા કરવામાં આવી રહી છે. ત્યારે સીઆઈએસએફ(સેન્ટ્રલ ઇન્ડસ્ટ્રિયલ સિક્યુરિટી ફોર્સ)તેના ૫૬માં સ્થાપના દિવસની ઉજવણી એક નવી પહેલ સાથે કરવા જઈ રહ્યું છે. આગામી ભરૂચ જિલ્લામાં ૧૬મી તારીખે આ સાયકલ રેલીનું આગમન થનારૂ છે. રેલીના આયોજનની પૂર્વ તૈયારી માટે નિવાસી અધિક કલેક્ટરના અધ્યક્ષસ્થાને કલેક્ટર કચેરી ખાતે બેઠક યોજાઈ હતી.
સાયક્લોથોનમાં વિવિધ સુવિધા, ટ્રાફિક નિયમન તેમજ તેને લગતી આનુસંગિક કામગીરી માટે જરૂરી સૂચનો અને માર્ગદર્શન પૂરું પાડ્યુ હતું. ટીમવર્કથી આનુસંગિક કામગીરી સૂપેરે પાર પાડવા તેમણે અનુરોધ કર્યો હતો. આ રેલીમાં વધુને વધુ લોકોને તથા સાયકલિસ્ટોને જોડાવા માટે જિલ્લા અધિક કલેકટર તથા CISF કમાન્ડર કૃતિકા નેગી દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે, “સુરક્ષિત તટ, સુરક્ષિત ભારત “ભારત”થીમને કેન્દ્રમાં રાખીને અનોખી સાઇકલ યાત્રાનું આયોજન કરવામાં આવી રહ્યું છે. ભારત સરકારના માનનીય ગૃહમંત્રી અને સહકાર મંત્રીશ્રી અમિતભાઈ શાહ તા. ૭ માર્ચ, ૨૦૨૫ના રોજ આ સાયકલ રેલીને વર્ચુઅલી (virtually) લીલી ઝંડી આપીને રવાના કરશે. રેલી ભારતના દરિયા કિનારા વિસ્તારમાં ૬,૫૫૩ કિ.મી.નું અંતર કાપશે. આ સાયકલ રેલીમાં ૧૪ સાહસિક મહિલાઓ સહિત કુલ ૧૨૫ CISFના કર્મચારીઓ ભાગ લેશે. જે બે ગ્રૂપના અલગ અલગ સ્થળોએથી સાયકલ સવારો એક સાથે આ પ્રસ્થાન કરશે. જેમાં એક ટીમ ગુજરાતના કચ્છ(પશ્ચિમ કોસ્ટ)ના લખપત કિલ્લાથી સફર શરૂ કરશે, જ્યારે બીજી ટીમ દક્ષિણ ૨૪ પરગણા, પશ્ચિમ બંગાળ (પૂર્વી તટ)ના બખ્ખાલીથી યાત્રા શરૂ કરશે. જે ૨૫ દિવસ સુધી ભારતના કોસ્ટલ વિસ્તારના માર્ગો પર પ્રવાસ ખેડી બંને ટીમો તા.૩૧ માર્ચ, ૨૦૨૫ના રોજ તમિલનાડુના કન્યાકુમારી સ્થિત પ્રતિકાત્મક વિવેકાનંદ રોક મેમોરિયલ ખાતે ભેગી થશે.
