પ્રવર્તમાન પરિસ્થિતિને ધ્યાને લેતા સરકારશ્રીના દિશાનિર્દેશોને પગલે તાપી જિલ્લામાં નાગરિકોને આવશ્યક ચીજવસ્તુઓનો પુરતો પુરવઠો સરળતાથી મળી રહે તેમજ ભાવ નિયંત્રણમાં રહે તે મુજબની વ્યવસ્થા ગોઠવવામાં આવેલ છે. આ માટે ૩૮ આવશ્યક ચીજવસ્તુઓના ભાવોનું સતત નિયંત્રણ અને નિરીક્ષણ રાજ્ય કક્ષાએ તેમજ જિલ્લા કક્ષાએ દરરોજ કરવામાં આવે છે.
જો કોઈ પણ વ્યક્તિ કે સંસ્થા આવશ્યક ચીજવસ્તુઓના સંગ્રહ કે જમાખોરીમાં સંડોવાયેલી જોવા મળશે, તો તેમના વિરુધ્ધ આવશ્યક ચીજવસ્તુ અધિનિયમ-૧૯૫૫ હેઠળ કડક કાર્યવાહી કરવામાં આવશે. વધુમાં પેટ્રોલિયમ કંપનીઓને પણ દૈનિક ધોરણે ઉપલબ્ધ જથ્થાની વિગતો મોકલી આપવા અને પેટ્રોલિયમ જથ્થાનું વિતરણ અવિરત ચાલુ રાખવા અંગે સુચના આપવામાં આવી છે. આ અંગેનું સધન મોનિટરીંગ જિલ્લા કક્ષાએથી કરવામાં આવે છે. આ સમગ્ર બાબતો ધ્યાને લઈને તાપી જિલ્લાના તમામ નાગરિકો કોઈ પણ પ્રકારની અફવાઓથી ગેરમાર્ગે દોરાય નહીં જિલ્લાના તમામ નાગરિકો સરકારશ્રી તથા જિલ્લા વહીવટી તંત્ર પર વિશ્વાસ સાથે સંપૂર્ણ સહકાર આપે તેવો અનુરોધ જિલ્લા પુરવઠા અધિકારીની કચેરી,તાપીની અખબારી યાદી દ્વારા કરવામાં આવ્યો છે.
