ગાંધીનગરના મોટી આદરજ ગામમાં ત્રણ વર્ષ પહેલા થયેલા પ્રેમલગ્નનો અદાવત રાખી ૧૧ શખ્સોના ટોળાએ એક પરિવાર પર તલવાર, લાકડી અને ધારીયા જેવા ઘાતક હથિયારો વડે હુમલો કરતા ચકચાર મચી ગઈ છે. આ હુમલામાં વૃદ્ધ દંપતી સહિત પરિવારના પાંચ સભ્યોને ગંભીર ઈજાઓ પહોંચતા હોસ્પિટલ ખસેડાયા છે.
મળતી માહિતી પ્રમાણે ગાંધીનગરના મોટી આદરજ ગામમાં રહેતા વિરમજી કાકુજી ઠાકોરના પુત્ર પરબતજીએ ત્રણ વર્ષ પહેલા કુટુંબી ભાઈ મોબતજી ઠાકોરની દીકરી અંજના સાથે પ્રેમલગ્ન કર્યા હતા. હાલમાં આ દંપતી ગામમાં આવ્યું હોવાની જાણ થતા જ ઉશ્કેરાયેલા મોબતજી કલાજી ઠાકોર, ગોગાજી ઠાકોર અને ભરતજી ઠાકોર સહિત ૧૧ લોકોનું ટોળું લાકડી, ધોકા અને તલવાર લઈને વિરમજીના ઘરે ધસી આવ્યું હતું.
આરોપીઓએ ‘અમારી દીકરીને બહાર કાઢો, આજે તમને પતાવી દેવા છે’ તેવી ધમકી આપી હિંસક હુમલો કર્યો હતો. જેમાં વિરમજી ઠાકોરને તલવાર અને લાકડીના ફટકા વાગતા બંને હાથે ફ્રેક્ચર થયું છે. તેમના પુત્ર પરબતજીને માથામાં તલવારનો ઘા ઝીંકી દેવાતા તેઓ આઈસીયુમાં સારવાર હેઠળ છે. આ ઉપરાંત વૃદ્ધ પિતા કાકુજી ઠાકોરને માથા અને પગના ભાગે ગંભીર ઈજાઓ થતા અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખસેડાયા છે. હુમલાખોરોએ ઘર આંગણે પડેલી અલ્ટો કારના કાચ તોડી નાખી નુકસાન પણ કર્યું હતું.આ મામલે પેથાપુર પોલીસે વિરમજી ઠાકોરની ફરિયાદના આધારે મોબતજી ઠાકોર, ગોગાજી ઠાકોર, પ્રવિણજી ઠાકોર સહિત કુલ ૧૧ આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.



