સુરત જિલ્લાનાં કીમ નજીક વડોલી ગામે નજીવી બાબતે ઉશ્કેરાયેલી ત્રણ મહિલાઓએ પાડોશી મહિલાને ઢીકમુક્કીનો મારમારી જાનથી મારી નાંખવાની ધમકી આપવાના મામલે કીમ પોલીસ મથકે ગુનો નોંધાયો હતો.
મળતી માહિતી મુજબ, કીમ પોલીસની હદમાં આવેલા વડોલી ગામે ડેલી ફળિયામાં રહેતી કલાવતીબેન વિમલભાઈ રાઠોડના વાડામાં લગાવવામાં આવેલા જમરૂખીના ઝાડને તેમની પાડોશમાં રહેતી કાજલબેન, વાસંતીબેન, સૂકીબેને ઉખાડી નાંખ્યું હતું. જેથી કલાવતીબેને આ ત્રણેય મહિલાને ઠપકો આપ્યો હતો. આ બાબતે ઉશ્કેરાઇ ગયેલી ત્રણેય મહિલાઓએ કલાવતીબેનને ઢીકમુક્કીનો મારમારી લોહીલુહાણ કરી નાંખી જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. બનાવ અંગે કલાવતીબેને કીમ પોલીસ મથકે કાજલબેન ચંદુભાઈ રાઠોડ, વાસંતીબેન ચંદુભાઇ રાઠોડ અને સુકીબેન ચંદુભાઈ રાઠોડ વિરુદ્ધ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી હતી.
