રાજસ્થાનના અલવરમાં વીમાના 60 લાખ રુપિયાની હડપવાના ભયાનક કાવતરાનો પર્દાફાશ થયો છે. ત્રણ મિત્રોએ તેમના ગુમ થયેલા મિત્ર જેવા દેખાતા એક યુવાનને ફસાવીને આ પ્લાન બનાવ્યો હતો તેનો એકમાત્ર હેતુ આ મિત્રને મારીને વીમાના પૈસા હડપી લેવાનો હતો. કોર્ટે આ કેસમાં મુખ્ય આરોપી અનિલ ખત્રીને આજીવન કેદની સજા ફટકારી હતી.
અનિલનો ભાઈ સુનીલ લાંબા સમયથી ગુમ હતો. અનિલે સુનીલને મૃત બતાવીને તેની LIC પોલિસીમાંથી 60 લાખ મેળવવાનું કાવતરું ઘડ્યું હતું. આ માટે, અનિલે તેના સાથી પવન અને યાકુબ સાથે મળીને એવા વ્યક્તિની શોધખોળ શરુ કરી જે તેના લાપતા ભાઇ સુનીલ જેવી જ કદકાઠી ધરાવતો હોય. લાંબી શોધખોળ દરમિયાન, તેમને સાલપુરનો 24 વર્ષીય રામકેશ મળ્યો, જે મહાવીર ઢાબામાં કામ કરતો હતો અને અદ્દલોઅદ્દલ સુનિલ જેવો દેખાતો હતો.
યોજનાના ભાગ રૂપે, આરોપીઓએ પહેલા રામકેશ સાથે મિત્રતા કરી. 30 સપ્ટેમ્બરના રોજ, તેઓએ તેને નવા કપડાં અને જૂતા આપ્યા. પછી તેને દારૂ પીવડાવાના બહાને બોલેરો કારમાં લઈ ગયા. તક મળતા જ ત્રણેયે તેની હત્યા કરી દીધી. બાદમાં, તેઓએ સુનિલનું મતદાર ઓળખપત્ર તેના ખિસ્સામાં મૂકીને તેને લાપતા સુનિલ સાબિત કરવાનો પ્રયાસ કર્યો, જેથી સુનિલના વીમાની રકમ તે મેળવી શકે.શરૂઆતમાં, પોલીસે તપાસ શરૂ કરી, એવું માનીને કે આ લાશ સુનિલની છે, પરંતુ ટૂંક સમયમાં શંકાઓ વધતી ગઈ. તપાસમાં અનિલ અને પવનની ધરપકડ કરવામાં આવી, અને પૂછપરછ દરમિયાન અનિલે ગુનો કબૂલ્યો. પવન અને યાકુબને અગાઉ આજીવન કેદની સજા ફટકારવામાં આવી હતી. શુક્રવારે, અનિલ કોર્ટમાં હાજર થયો, જ્યાં તેને આજીવન કેદ અને 20,000 રૂપિયા દંડની સજા ફટકારવામાં આવી. આ ઘટનાએ સમગ્ર વિસ્તારને હચમચાવી નાખ્યો છે.



