અમદાવાદ શહેરના ખોખરા વિસ્તારમાં 14 વર્ષના એક સગીર સાથે 16 વર્ષ અને 6 મહિનાની વય ધરાવતા એક કિશોરે બળજબરીપૂર્વક સૃષ્ટિ વિરૂદ્ધનું કૃત્ય આચરવામાં આવ્યું હતું. આ ઘટના બાદ તેનો વીડિયો ઉતારી લેવાયો હતો અને વાઈરલ કરવાની ધમકી આપવામાં આવી હતી. જોકે હવે આ ચકચારભર્યા કેસમાં ચુકાદો આપતાં જુવેનાઇલ જસ્ટિસ એકટ હેઠળની સ્પેશિયલ કોર્ટના જજ મનીષ પ્રદ્યુમન પુરોહિતે દોષિત કિશોરને 20 વર્ષની કેદની સજા ફટકારી હતી. ગુજરાતના ઇતિહાસમાં સૌ પ્રથમવાર જુવેનાઇલ જસ્ટિસ કોર્ટ દ્વારા કોઇ કિશોરને 20 વર્ષની સજા ફટકારવામાં આવી છે. જુવેનાઇલ જસ્ટિસ કોર્ટનો રાજયનો આ પહેલો ઐતિહાસિક ચુકાદો છે. કોર્ટે ભોગ બનેલ કિશોરને ધી ગુજરાત વિક્ટિમ કોમ્પનસેશન એક્ટ 2019 હેઠળ સિટી સિવીલ એન્ડ સેશન્સ લીગલ સત્ત્વસ કમિટી અમદાવાદ દ્વારા વળતર પેટે રૂ.4 લાખ ચૂકવી આપવા પણ હુકમમાં ઠરાવ્યું હતું.
કોર્ટે દોષિત કિશોરને સજાની સાથે સાથે પાંચ હજાર દંડ પણ ફટકાર્યો હતો. 
એટલું જ નહી, તેણે બીજા દસ હજાર રૂપિયા આપવા પણ પીડિત કિશોરને જણાવ્યું હતું. બનાવ બાદ ભોગ બનનાર કિશોરે પોતાના પરિવારમાં જાણ કરતાં ખોખરા પોલીસે 13 જાન્યુઆરી 2024ના કાયદાના સંઘર્ષમાં આવેલા કિશોર વિરૂદ્ધ સૃષ્ટિ વિરૂદ્ધનું કૃત્ય, ખંડણી, ધમકી, પોક્સો એકટ, આઇટી એકટ સહિતની કલમો હેઠળ ગુનો નોંધી જુવેનાઇલ જસ્ટિસ બોર્ડમાં કેસ રજૂ કર્યો હતો. બાદમાં કિશોર વિરૂદ્ધ ચાર્જફ્રેમ કરાયો હતો. સરકારપક્ષ તરફથી 12 સાક્ષીઓ અને 30 દસ્તાવેજી પુરાવાઓ રજૂ કરી કેસ પુરવાર કરતાં કોર્ટને જણાવાયું કે, કાયદાના સંઘર્ષમાં આવેલા કિશોર વિરૂદ્ધના આરોપો ઘણા ગંભીર છે. આ ગુનાહિત કૃત્યથી ભોગ બનનાર બાળકના માનસપટ પર બહુ ઘેરી અને નકારાત્મક અસરો પડી છે. સમાજમાં આ પ્રકારના બનાવો બનતા અટકાવવા અને એક દાખલો બેસાડવા કોર્ટે કાયદાના સંઘર્ષમાં આવેલા કિશોરને પોક્સો સહિતના કાયદા હેઠળ યોગ્ય સજા કરવી જોઇએ. સરકારપક્ષની દલીલો ગ્રાહ્ય રાખી જુવેનાઇલ જસ્ટિસ કોર્ટે 16 વર્ષ અને 6 મહિનાની ઉમંરના કિશોરને દોષિત ઠરાવી 20 વર્ષની દાખલારૂપ સજા ફટકારતો રાજયનો સૌપ્રથમ ચુકાદો જાહેર કર્યો હતો.
કોર્ટે પોતાના ચુકાદામાં ઠરાવ્યું હતું કે, ધી જુવેનાઇલ જસ્ટિસ (કેર પ્રોટેકશન ઓફ ચીલ્ડ્રન) એકટ મુજબ, કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોરને 21 વર્ષનો ના થાય ત્યાં સુધી પ્લેસ ઓફ સેફ્ટી(ઓર્બ્ઝર્વેશન હોમ) ખાતે રાખવાનો રહેશે. તે 21 વર્ષનો થાય પછી, તેને જેલમાં તબદિલ કરવાનો રેહશે. કિશોર 21 વર્ષનો ના થાય ત્યાં સુધી દર વર્ષે સંલગ્ન પ્રોબેશન ઓફિસર અથવા ડિસ્ટ્રીક્ટ ચાઇલ્ડ પ્રોટેકશન યુનિટે તેમ જ સામાજિક કાર્યકરે સમયાંતરે અત્રેની ચીલ્ડ્રન કોર્ટમાં રજૂ કરવાનો રહેશે. સાથે સાથે કિશોરની ધી જુવેનાઇલ જસ્ટિસ એકટ મુજબ સારસંભાળ તેમ જ પુનઃસ્થાપનની યોજના રજૂ કરવાની રહેશે. કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોરને મહેસાણા ઓર્બ્ઝર્વેશન હોમ ખાતેથી વિડીયો કોન્ફરન્સના માઘ્યમથી રજૂ કરાયો હતો. કિશોર તરફથી બચાવ રજૂ કરાયો હતો કે, તેણે ધોરણ-12ની પરીક્ષા પાસ કરી છે. છેલ્લા એક વર્ષ અને આઠ માસથી ઓર્બ્ઝર્વેશન હોમમાં છે. જયાં તે ભણવાનું , રમગ-ગમત, ટીવી પિકચર જોવાનુ, યોગા કરવાની પ્રવૃત્તિઓ કરતો હોવાનું જણાવ્યુ હતુ. તેની માતા ઓર્બ્ઝર્વેશન હોમમાં આવતી હોય છે અને હાલ ઉમર તેની 19 વર્ષની છે. સજા થાય તો તેનું ભવિષ્ય અને કારકિર્દી જોખમમાં મૂકાઇ શકે છે. જોકે, કોર્ટે સાફ શબ્દોમાં જણાવ્યું કે, કાયદાના સંઘર્ષમાં આવેલા કિશોરના ગુનાહિત કૃત્યના કારણે પીડિત કિશોરની શું મનોદશા અને માનસિક આઘાત હશે તે પણ કોર્ટે ઘ્યાને લવી પડે. તેથી કાયદાના પ્રસ્થાપિત સિઘ્ધાંતો જોતાં દોષિત કિશોરના ગુનાહિત કૃત્યને નજરઅંદાજ કરી શકાય નહી



