નવસારીના એરુ ચાર રસ્તા પાસે રહેતા સોફ્ટવેર એન્જિનિયરને ડિજીટલી એરેસ્ટ કરીને રૂ. ૬.૫૫ લાખ પડાવી લેવાયા છે. સાત મહિના પૂર્વે ઇન્ડિયન પોસ્ટ ઇન્ટરનેશન સર્વિસ, મુંબઇ પોલીસ અને સીબીઆઈના નામે આ યુવકને સતત ૩૦ કલાક સુધી બાનમાં લઈ પૈસા પડાવી લેવાયા હતા. પોલીસના જણાવ્યા મુજબ ૩૪ વર્ષીય સ્નેહલ જગજીવનભાઈ ટંડેલ (રહે. સીતારામનગર, એરુ ચાર રસ્તા, નવસારી) સોફ્ટવેર ડેવલોપર છે. તા. ૨૧-૮-૨૦૨૪ નાં રોજ તેમના ઘરે હતા ત્યારે બપોરે અજાણ્યા વ્યક્તિનો ફોન આવ્યો હતો.
સંદીપ યાદવ નામના કથિત પોલીસે ત્યારબાદ જણાવ્યું હતું કે, તમારા નામના ૪ બેન્ક એકાઉન્ટથી થયેલ ૪૦ કરોડની લેવડડેવડમાં મુંબઈ પોલીસે એરેસ્ટ કરેલા બેન્ક મેનેજર સુરેશ અનુરાગના કેસમાં તમારી સંડોવણી બહાર આવી છે. તમારે સીબીઆઇ સમક્ષ હાજર થવું પડશે સ્નેહલ ટંડેલને તેના જ રૂમમાં ૩૦ કલાક ડીજીટલ એરેસ્ટ કરવામાં આવ્યો હતો.
કેસમાં ફસાવી દેવાની ધમકી આપી સ્નેહલ ટંડેલ પાસેથી સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા, બંધન બેન્ક, મહિન્દ્રા બેન્કમાંથી રૂા. ૬.૫૫ લાખ ઓનલાઈન ટ્રાન્સફર કરાવી લીધા હતાં. પૈસા ટ્રાન્સફર થયા બાદ પણ ફોન પર સતત રૂપિયાની માંગણી થતી હતી. સ્નેહલ ટંડેલને આખરે શંકા જતા તેણે સાયબર ક્રાઈમના પોર્ટલ ૧૯૩૦ ઉપર ઓનલાઈન ફરિયાદ કરી હતી. સાયબર ક્રાઈમે એક્શનમાં આવતાં ટ્રાન્સફર રૂા. ૬.૫૫ લાખ પૈકી રૂા. ૧.૭૫ લાખ પુટ ઓન હોલ્ડ કરાવ્યા હતાં. સ્નેહલ ટંડેલે જલાલપોર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા ગુનો દાખલ કરી પી.આઈ. ડી.ડી. લાડુમોરેએ તપાસ શરૂ કરી છે.
