સુરત જિલ્લા ખાણ વિભાગમાં ફરજ બજાવતા કેટલાક ભ્રષ્ટ અને લાંચિયા અધિકારીઓ પૈકી ફલાઈંગ સ્કોડનો એક અધિકારી વતી 2 લાખની લાંચ સ્વીકારતા આજરોજ એક વચેટિયો એસીબીના સકંજામાં આવ્યો છે, જોકે ખાણ ખનીજ વિભાગની ફલાઈંગ સ્કોડનો લાંચીયો અધિકારી એસીબીના હાથે લાગ્યો નથી. જેની શોધખોળ હાથ ધરવામાં આવી છે.
એસીબી વિભાગના જણાવ્યા અનુસાર, એસીબીને ફરિયાદ કરનાર ફરીયાદીએ મંડળી વતી મળેલ રોયલ્ટી પરમિટ આધારે ભાઠા વિસ્તારમાં રેતી અંગેની કામગીરીમાં ફ્લાઈંગ સ્કોડ દ્વારા તેઓની કામગીરી અને જગ્યા પર કોઈ હેરાનગતિ નહિ કરવા સારૂ ખનીજ વિભાગનાં ફ્લાઈંગ સ્કોડનાં અધિકારી આરોપી નરેશભાઈ જાની, હોદ્દો-મદદનીશ નિયામક, ફ્લાઈંગ સ્કોડ, સુરત (ખાણ-ખનીજ વિભાગ) તથા આરોપી (૨) કપીલભાઈ પરસોત્તમભાઈ પ્રજાપતિ, પ્રજાજન (રહે.૪૧,સંસ્કાર વિલા સોસાયટી, સરથાણા, જકાતનાકા, સુરત)નાઓએ ફરીયાદી પાસે રૂપિયા 2,00,000/-ની લાંચની માંગણી બાબતે હેતુલક્ષી વાતચીત કરેલ.
જે લાંચની રકમ ફરીયાદી આપવા માંગતા ના હોય, એસીબીનો સંપર્ક કરતાં ફરીયાદીની ફરીયાદ આધારે લાંચનું છટકું ગોઠવવામાં આવેલ અને લાંચનાં છટકા દરમિયાન આરોપી કપીલભાઈ પ્રજાપતિએ મહાદેવ કાર્ટીગ, ગુજરાત એન્ટર પ્રાઈઝ, યોગી ચોક, બી.આર.ટી.એસ. રોડ, જુના સિમાડા પાસે આજરોજ એટલે કે તારીખ 11/06/2024ના રોજ લાંચનાં 2 લાખ રૂપિયા નાણાં સ્વીકારતા એસીબી સ્ટાફના હાથે ઝડપાઈ ગયો હતો. જોકે ખાણ ખનીજ વિભાગની ફલાઈંગ સ્કોડનો લાંચીયો અધિકારી મદદનીશ નિયામક નરેશભાઈ જાની એસીબીના હાથે લાગ્યો નથી.જેની શોધખોળ હાથ ધરવામાં આવી છે.




