હળવદનાં રાયસંગપર ગામે રાત્રીના આસપાસ બે કૌટુંબિક બે ભાઈઓએ જ બે ભાઈ પર છરી અને પાઈપ વડે હુમલો કરતા એકનું મોત નીપજ્યું હતું. જ્યારે બીજાને ગંભીર હાલતમાં પ્રથમ હળવદ સરકારી હોસ્પિટલ બાદ વધુ સારવાર માટે મોરબી રીફર કરવામાં આવ્યો હતો. હુમલો કરવા આવેલ સગા બે ભાઈઓમાંથી એકને માથામાં ઇજા થતાં તેને પણ હળવદ સરકારી હોસ્પિટલ ખાતે સારવારમાં હેઠળ રખાયો હતો. જયારે કોટુંબિક બહેન સાથેનાં જ પ્રેમ પ્રકરણનાં કારણે યુવાનની હત્યા થયાનું ખુલ્યું હતું. સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ, હળવદ તાલુકાનાં રાયસંગપર ગામે રહેતા શામજી બાબુભાઈ લોલાડીયા (ઉ.વ.23) અને ગોપાલભાઈ બાબુભાઈ લોલાડીયા (ઉ.વ.18) રાત્રિના ઘરે સુતા હતા.
ત્યારે 11 વાગ્યાની આજુબાજુ કૌટુંબીક ભાઈઓ વિપુલ કરમણભાઇ ઉર્ફે કાળુભાઈ લોલાડીયા અને ગૌતમ ઉર્ફે ગવો કરમણભાઈ છરી અને પાઈપ લઈને આવ્યા હતા. જેમાં આરોપીઓએ પર હુમલો કરતા શામજીને ગંભીર ઈજા થતાં મોત નીપજ્યું હતું. જ્યારે ગોપાલને ગંભીર ઇજા થતા હળવદ સરકારી હોસ્પિટલે સારવાર માટે ખસેડવામાં આવ્યા હતો, જ્યાંથી વધુ સારવાર માટે મોરબી રીફર કરવામાં આવ્યો હતો. આ બનાવમાં હુમલો કરવા આવેલા આરોપી વિપુલ કરમણભાઈ ઉર્ફે કાળુભાઈ લોલાડીયાને પણ માથાના ભાગે ઈજા પહોંચતા હળવદ સરકારી હોસ્પિટલ ખાતે સારવાર હેઠળ રખાયો હતો. પોલીસનાં જણાવ્યા મુજબ, આરોપીઓ અને મૃતક એક જ કુટુંબના હોય અને કાકા-ભત્રીજા થાય છે.
આઠ મહિના પહેલા મૃતક શામજી લોલાડીયા આરોપી વિપુલની બેનને ભગાડી ગયો હતો અને ત્યારબાદ બંને પકડાઈ જતા એક જ કુટુંબના હોવાથી લગ્ન શક્ય ન હોય માટે કુટુંબીજનોએ લગ્ન કરવા દીધા નહોતા. ધરમેળે નક્કી કરી મૃતકના પરિવારજનોએ શામજીને ગાંધીધામ તેની બહેનને ત્યાં મોકલી દીધો હતો. આઠેક મહિના બાદ મૃતક શામજી ગત શનિવારે જ રાયસંગપર ગામે આવ્યો હતો. મંગળવારે જમીને રાત્રીના પરીવારજનો ધરમાં સુતો હતો. ત્યારે અચાનક વિપુલ અને ગૌતમે છરી અને પાઈપ સાથે ધસી આવી ‘તું અહીં કેમ આવ્યો?’ તેમ કહી શામજી અને ગોપાલ પર જીવલેણ હુમલો કરી તૂટી પડયા હતા.
જેમાં શામજીને ગંભીર ઇજા થતાં મોત નિપજ્યું હતું. જ્યારે ગોપાલને પણ ગંભીર ઈજા થતાં હળવદ સરકારી હોસ્પિટલ બાદ મોરબી રીફર કરવામાં આવ્યો હતો અને સ્વબચાવ કરતા હુમલો કરવા આવેલા આરોપી વિપુલને પણ માથાના ભાગે ઈજા થઈ હતી જેને હળવદ સરકારી હોસ્પિટલ ખાતે સારવાર હેઠળ રખાયો હતો. બીજી તરફ હળવદ પોલીસ દ્વારા બંને આરોપીની અટકાયત કરી મૃતકના પિતાની ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. આ ઘટનાનાં પગલે હળવદ પી.આઈ., આર.ટી.વ્યાસ અને હળવદ મામલતદાર ડી.એચ.સોનાગ્રા સહિતનો કાફલો દોડી આવ્યો હતો.




