રાજકોટ મહાનગરપાલિકાના સસ્પેન્ડેડ ટાઉન પ્લાનિંગ ઓફિસર મનસુખ સાગઠિયા પાસે 28 કરોડની અપ્રમાણસર મિલકતો મળી આવી હતી. જેમાં ACBએ આવકથી વધુ સંપત્તિ રાખવાના કેસમાં મનસુખ સાગઠિયાને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. આ સમગ્ર મામલે કોર્ટે સરકારી વકીલની દલીલો સાંભળ્યા બાદ મનસુખ સાગઠિયાના 6 દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યાં હતા. ACBની તપાસમાં બહાર આવ્યું હતું કે, સાગઠિયા પાસે 2012થી લઈને 2024 સુધીમાં દરમિયાન તેની આવક કરતાં વધુ 10.55 કરોડની અપ્રમાણસરની મિલકત એકત્રિત કરી હતી.
જેમાં અત્યાર સુધીમાં સાગઠિયા પાસે 28 કરોડ જેટલી અપ્રમાણસર મિલકતો મળી આવી હતી. કોર્ટમાં સરકારી વકીલે દલીલો કરી હતી કે, સાગઠિયા તેના પગારની બધી રકમ બચાવે તો પણ કેસમાં ખુલેલાં આંકડા જેટલી રકમ ભેગી કરી શકે નહીં. સાગઠિયાના બેંક અકાઉન્ટની તપાસ તેની હાજરીમાં થવી જરૂરી છે. આ ઉપરાંત સાગઠિયાના પરિવાર પાસે કેટલી મિલકત છે તે પણ ચકાસવી જરુરી છે. સાગઠિયાએ કરેલા વિદેશ પ્રવાસ અંગેની તપાસ કરવી આવશ્યક છે. સાગઠિયા પાસેથી મળેલું સોનું અને રકમની ગણતરીમાં 10 કલાક જેટલો સમય લાગ્યો ત્યારે આ સોનું અને રોકડની ગણતરી વખતે સાગઠિયાની હાજરી જરૂરી છે.




