ભૂજ તાલુકાનાં સુખપર પાસે સર્જાયેલ માર્ગ અકસ્માતમાં માનકુવા રહેતા માતા-પુત્ર અને સાસુ એક્ટિવા પર સુખપર જઇ રહ્યા હતા. ત્યારે સુખપર પાસે સ્પીડ બ્રેકર પર બ્રેક મારતાં એક્ટિવા સ્લીપ થઇ ગઇ હતી. જેમાં નીચે પડી ગયેલા દાદી પૌત્ર ઉભા થયા તે પહેલા તેમના પરથી પાસેથી પસાર થતી ટ્રકનાં ભારી ટાયર ફરી વળ્યા હતા. જેને કારણે બંનેનાં મોત નીપજ્યા હતા. જ્યારે એક્ટિવા ચાલક પરિણીતાનો આબાદ બચાવ થયો હતો.
કાળજુ કંપાવી દેનારી ઘટનાથી પટેલ ચોવીસીમાં અરેરાટી ફેલાઇ ગઇ હતી. અકસ્માતના પગલે ઘટના સ્થળ પર મોટી સંખ્યામાં લોકો ભેગા થઇ ગયા હતા. માનકુવા પોલીસ મથકેથી પ્રાપ્ત વિગતો મુજબ બનાવ સવારે 10 વાગ્યાનાં અરસામાં સુખપર ગામે સુખપર પંચાયત સામેના રોડ પર બન્યો હતો. માનકુવા ગામે નવાવાસમાં રહેતા મંજુલાબેન વાલજીભાઇ ગોરસીયા, તેની પુત્રવધુ એક્તાબેન દિનકરભાઇ ગોરસીયા અને એક વર્ષનો પૌત્ર તન્મય દિનકરભાઇ ગોરસીયા એક્ટિવા પર સુખપર ગામે આવેલા મંજુલાબેના પીયેર જઇ રહ્યા હતા.
દરમિયાન સુખપર નજીક બમ્પની આગળ એક જીપ ઉભી હતી અને ત્યારે એક્તાબેને એક્ટિવાને બ્રેક મારતાં એક્ટિવા સ્લીપ થઇ ગઇ હતી. જેને કારણે પાછળ બેઠેલા સાસુ અને પુત્ર બંને રોડ પર પડી ગયા હતા. ત્યારે પાસેથી પસાર થતી ટ્રકના પાછળનાં ભારે ટાયર મંજુલાબેન અને તન્મયના માથેથી ફરી વળ્યા હતા. જ્યારે એક્ટિવા ચાલક એક્તાબેનનો ચમત્કારીક બચાવ થયો હતો. ઘાયલોને સારવાર માટે જી.કે.જનરલ હોસ્પિટલમાં લઇ અવાતાં જ્યાં હાજર પરના તબીબે મંજુલાબેન અને તન્મયને મૃત ઘોષિત કર્યા હતા. માનકુવા પોલીસે બનાવની નોંધ લઇ આગળની તપાસ હાથ ધરી હતી. માનકુવા ગામે રહેતા એક્તાબેન દિનકરભાઇ ગોરસીયા એક્ટિવા પર સાસુ અને પુત્રને લઇને સુખપર જઇ રહ્યા હતા. ત્યારે એક્ટિવા સ્લીપ થવાને કારણે ત્રણેય નીચે પટકાઇ ગયા હતા. જેમાં એક્તાબેનનો બચાવ થયો હતો. જ્યારે તેમની નજર સામે તેમના એકને એક પુત્ર તન્મય સાસુ મંજુલાબેનનું મોત નીપજ્યું હતું.




