ભાવનગર તાલુકાનાં માઢિયા ગામ નજીક પોલીસે ફિલ્મી ઢબે પીછો કરી વિદેશી દારૂ અને બિયરનો જથ્થો ભરેલા પીકઅપ વાહનને ઝડપી પાડયું હતું. જ્યારે બે શખ્સ નાસી ગયા હતા. સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ, અધેળાઈ તરફથી એક મહેન્દ્રા પીકઅપ ગાડીમાં વિદેશી દારૂનો મોટો જથ્થો ભરી ભાવનગર તરફ લઈ જવાઈ રહ્યો હોવાની ચોક્કસ બાતમીના આધારે પેટ્રોલીંગમાં રહેલી વેળાવદર ભાલ પોલીસની ટીમે નેશનલ હાઈવે નં.751 સ્થિત માઢિયા ગામ નજીક મધરાત્રિના સમયે વોચ ગોઠવી હતી.
તે દરમિયાનમાં પીકઅપ નંબર GJ/18/AX/8953 અહીંથી પસાર થતાં પોલીસે વાહનને રોકવાનો પ્રયાસ કરતા ડ્રાઈવરે વાહન પુરપાટ ઝડપે હંકારી મુક્યું હતું. જેથી પોલીસે ખાનગી વાહનોમાં પીકઅપનો પીછો કરતા નવા માઢિયા જીઆઈડીસીની સામે આદર્શ સોલ્ટ પાસે વાહન મુકી બે અજાણ્યા શખ્સ નાસી ગયા હતા. દરમિયાનમાં સ્થળ પર પહોંચેલી પોલીસે પીકઅપ ગાડીની તલાશી લેતા થાપડમાં આશરે ત્રણ ફૂટ જેટલું ખાનું બનાવેલું જોવા મળ્યું હતું. જેમાંથી વિદેશી દારૂની 240 બોટલ અને બિયરના 600 ટીન મળી કુલ રૂપિયા 1,86,000/-નો વિદેશી દારૂ-બિયરનો જથ્થો મળી આવતા પોલીસે પીકઅપ, દારૂ-બિયર મળી કુલ રૂપિયા 11,86,000/-નો મુદ્દામાલ કબજે કરી બે અજાણ્યા શખ્સ સામે પ્રોહિ. એક્ટની જુદી-જુદી કલમ હેઠળ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી હતી.




