ભાવનગરનાં ગારિયાધાર તાલુકાના મેસણકા ગામના યુવક ઉપર ત્રણ શખ્સે પાઈપ, તલવાર અને ધોકાથી હુમલો કરી જાનથી મારી નાંખવા ધમકી આપી હતી. બનાવની મળતી વિગત અનુસાર, ગારિયાધારના મેસણકા ગામે રહેતા સરાદીન દાદાભાઈ શીરમાણ (ઉ.વ.38)ના ભાભી મુમતાઝબેન અને સામા પક્ષે કાળુ સુરાભાઈ જુણેજાના ભાભી કરીશ્માબેને સરપંચની ચૂંટણીમાં ફોર્મ ભર્યું હતું.
તેમજ સરાદીનભાઈ પાણી પુરવઠામાં કોન્ટ્રાક્ટ પર નોકરી કરતા હોય, આ બંને બાબતની દાઝ રાખી ગઈકાલે સાંજના સમયે યુવાન તેમનું બાઈક લઈ દૂધ ભરવા માટે જઈ રહ્યો હતો. ત્યારે નવાગામ પાસે બાબુપીરની દરગાહ નજીક બાઈકમાં આવેલા ત્રણ શખ્સ કાળુ સુરાભાઈ જુણેજા, અરબાજ હામીનભાઈ જુણેજા અને આહીદ ઈલિયાસભાઈ જુણેજા (રહે.તમામ મેસણકા)એ બાઈક રોકાવી તલવાર, લાકડાના ધોકા અને લોખંડના પાઈપના ઘા ઝીંકી ગાળો દઈ જાનથી મારી નાંખવા ધમકી આપી ત્રણેય શખ્સ બાઈક લઈ નાસી ગયા હતા. બનાવ અંગે યુવાને નોંધાવેલી ફરિયાદના આધારે ગારિયાધાર પોલીસે ત્રણેય શખ્સ સામે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી હતી.




