આંતરરાષ્ટ્રીય માર્કેટમાં ખૂબ જ ઊંચી કિંમત ધરાવતા હાથીદાંતની વડોદરામાં હેરાફેરીનું નેટવર્ક પકડાયું છે. એસ.ઓ.જી.એ બે એજન્ટને ઝડપી પાડી પૂછપરછ હાથ ધરી છે. વડોદરામાં વન્ય જીવોના અંગોનું વેચાણ કરવાના વારંવાર કિસ્સાઓ બહાર આવી રહ્યા છે. ત્યારે યાકુતપુરા વિસ્તારમાંથી હાથીદાંત વેચવાના ષડયંત્રનો એસઓજીએ પર્દાફાશ કર્યો છે. હાથી દાંતની હેરાફેરી કરવામાં આવતી હોવાની માહિતીને પગલે એસ.ઓ.જી.એ વોચ રાખી એક રીક્ષા માંથી ઈરફાન શેખ અને આઝાદ પઠાણ નામના યાકુતપુરાના શખ્સને ઝડપી પાડ્યા હતા.
બંને પાસેથી હાથીદાંતની એક જોડ મળી આવતા પોલીસે હાથીદાંત કબજે કરી વન વિભાગને જાણ કરી હતી. જોકે બંને એજન્ટ હાથી દાંત ક્યાંથી લાવ્યા હતા અને કેટલા સમયથી આવો વેપાર કરી રહ્યા છે તે મુદ્દે ફોરેસ્ટ અને એસ.ઓ.જી.એ પૂછપરછ જારી રાખી છે. એસ.ઓ.જી.ના પીઆઇએ કહ્યું હતું કે આ નેટવર્કમાં આંતરરાષ્ટ્રીય કક્ષાની સિન્ડિકેટ સક્રિય છે કે કેમ તે મુદ્દે અમે તપાસ કરી રહ્યા છીએ. આ ઉપરાંત બંને શખ્સ નો ગુનાઈત ભૂતકાળ પણ તપાસવામાં આવી રહ્યો છે. તેઓ કોની સાથે સંકળાયેલા હતા તે મુદ્દે ટેકનિકલ સોર્સ ના આધારે તપાસ કરવામાં આવી રહી છે.




