ભાવનગરનાં ધંધુકામાં જમીન બાબતે ચાલી રહેલા ઝઘડાની અદાવત રાખી એક મહિલા સહિત છ જણે જીઆરડી જવાન અને તેના કાકા ઉપર ફરશી, પાઈપ, લાકડી સહિતના હથિયારો લઈ તૂટી પડી જાનથી મારી નાંખવા ધમકી આપી હતી. પ્રાપ્ત માહિતી અનુસાર, ધંધુકા શહેરના મારૂવાડા, સુંદરકૂવા રોડ, સાત ડેરી પાસે રહેતા અને જીઆરડી તરીકે નોકરી કરતા મુસ્તાકભાઈ યાકુબઈ ટીંબલિયા (ઉ.વ.27)ના કાકા સાથે વલીમહંમદ ટીંબલિયા નામના શખ્સને જમીન બાબતે કોર્ટમાં દાવો ચાલી રહ્યો હોય, દરમિયાનમાં સાંજના સમયે મુસ્તાકભાઈ તેમના ઘરની પાસે ગટરનું સફાઈકામ કરી રહેલા ન.પા.ના સફાઈ કામદારોને પાણી પીવડાવી રહ્યા હતા.
ત્યારે વલીમહમદ મુસાભાઈ ટીંબલિયા, મુખત્યાર ઈબ્રાહીમભાઈ ટીંબલિયા, માસૂમ મહેબુબભાઈ મોદન, જુબેર વલીમહમદભાઈ ટીંબલિયા, અરબાજ જહુરભાઈ ટીંબલિયા અને આરીફાબેન મહેબુબભાઈ મોદન (રહે.તમામ સાત દેરી પાસે, સુંદરકૂવા રોડ, મારૂવાડા, ધંધુકા)એ ગેરકાયદે મંડળી રચી હથિયારો લઈ આવી મુસ્તાકભાઈને પકડી રાખી જાનથી મારી નાંખવાના ઈરાદે ફરશી, ધારિયા અને લાકડીથી માર માર્યો હતો. આ સમયે તેમના કાકા કરીમભાઈ લાલમહંમદભાઈ ટીંબલિયા છોડાવવા વચ્ચે પડતા તેમને પણ મારી મારી કાકા-ભત્રીજાને જાનથી મારી નાંખવા ધમકી આપી હતી. બનાવ અંગે ઈજાગ્રસ્ત જીઆરડી જવાને મહિલા સહિત છ જણ સામે ફરિયાદ દાખલ કરાવતા ધંધુકા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.



