મહારાષ્ટ્રની દુલ્હનએ ગઢશીશાના યુવક સાથે લગ્ન કરી એક રાત રોકાયા બાદ રોકડ રૂપિયા ૨ લાખ ૨૫ હજાર અને સોના ચાંદીના દાગીના લઇ પલાયન થઇ જતાં માધાપર રહેતા કૌટુબીકભાઇ સહિત પાંચ આરોપીઓ સામે ગઢશીશા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. મુળ દયાપરના હાલે ગઢશીશામા રહેતા ધવલ નલીનભાઇ જણસારીની ફરિયાદને ટાંકીને પોલીસે જણાવ્યું હતું કે, બનાવ ગત ૩૦ માર્ચના બન્યો હતો. માધાપર રહેતા ફરિયાદીના કૌટુંબીક ભાઇ પુનીત પ્રફુલભાઇ જણસારીને ફરિયાદીના પિતાએ ફરિયાદીના લગ્ન અંગે છોકરી ગોતવાનું કહ્યું હતું.
ત્યાર બાદ આરોપી પુનીતે ફરિયાદીને મિત્ર વિશાલ થારૂ રહે માધાપરનો મોબાઇલ નંબર આપ્યો હતો. વિશાલ થારૂએ મહારાષ્ટ્રની મીના ગજાનંદ માનવતે નામની યુવતી સાથે ફરિયાદીના લગ્નની વાત કરી હતી. ત્યાર બાદ પુનીત, વિશાલ થારૂ, માધાપરના પ્રકાસ મહેશ્વરી, જામનગર રહેતા હેમંતભાઇને અને યુવતીના બેન બનેવી ફરિયાદીના ઘરે મળવા આવ્યા હતા. બાદમાં ફરિયાદીને વિશ્વાસમાં લઇને ગત ૨૮ માર્ચના ભુજ ખાતે આવેલા દંતેશ્વર મહાદેવના મંદિરમાં ફરિયાદીના મહારાષ્ટ્રની યુવતી મીના સાથે લગ્ન કરાવ્યા હતા.
જેમાં આરોપીઓએ ફરિયાદીના પિતા પાસેથી રૂપિયા ૨ લાખ ૨૫ હજાર લીધા હતા. અને લગ્ન કરનાર યુવતીને સોનાના બુટીયા, નાકની સોનાની સરી, તથા ચાંદીના પગમાં પટ્ટા પહેરવ્યા હતા. લગ્ન કર્યા બાદ ફરિયાદી સાથે યુવતી ગઢશીશા ગામે ફરિયાદીના ઘરે રાત રોકાઇ હતી. જોકે ૩૦ જુનના વહેલી સવારે મહારાષ્ટ્રની યુવતી કોઇને કહયા વગર નાસી ગઇ હતી. ભોગબનાર યુવકે ગઢશીશા ગામે આરોપીઓ સામે ગુનો નોંધાવતાં પોલીસે બનાવની નોંધ લઇ આગળની તપાસ હાથ ધરી હતી.




