એક તરફ આમિર ખાન અને રાજકુમાર હિરાણીએ ભારતીય સિનેમાના જનક દાદાસાહેબ ફાળકેની બાયોપિક બનાવવાની જાહેરાત કરી છે તો બીજી તરફ એસએસ રાજામૌલીએ જુનિયર એનટીઆરને લઇને ફાળકે પર ફિલ્મ બનાવવાની જાહેરાત કરી છે. રાજામૌલીએ ૨૦૨૩માં જ દાદાસાહેબ ફાળકે પણ ફિલ્મ બનાવવાની જાહેરાત કરી હતી અને ફિલ્મનું નામ ‘મેડ ઇન ઇન્ડિયા’ રાખ્યું હતું. હવે આમિરખાન અને રાજકુમાર હિરાણીની જોડીએ દાદાસાહેબ ફાળકેની ફિલ્મ બનાવવાની જાહેરાત કરી નાંખી છે. આમિરની ફિલ્મનું શૂટિંગ ઓક્ટોબર ૨૦૨૫થી શરૂ થવાનું છે.
લોસએન્જેલસમાં એ જમાનાને ધ્યાનમાં રાખી ફિલ્મની એઆઇ ડિઝાઇન તૈયાર કરી નાંખવામાં આવી છે. આ ફિલ્મની પટકથા પર રાજકુમાર હિરાણી, અભિજીત જોશી, હિન્દુકુશ ભારદ્વાજ અને આવિષ્કાર ભારદ્વાજ ચાર વર્ષથી કામ કરી રહ્યાં છે. દાદાસાહેબ ફાળકેના પૌત્ર ચન્દ્રશેખર શ્રીકૃષ્ણ પુસાલકરે પણ રાજકુમાર હિરાણીના આ પ્રોજેક્ટને ટેકો જાહેર કર્યો છે.
બીજી તરફ રાજામૌલીની ‘મેડ ઇન ઇન્ડિયા’ની ૨૦૨૩માં જાહેરાત થઇ ફિલ્મની પટકથાનો ફાઇનલ ડ્રાફ્ટ નક્કી થઇ ગયો છે. આ ફિલ્મમાં દાદાસાહેબ ફાળકેની નજરે ભારતીય સિનેમાના આરંભને દર્શાવવામાં આવશે. અગાઉ આ વિષય પર મરાઠીમાં ૨૦૦૯માં ‘હરિશ્ચન્દ્રાચી ફેકટરી’ બની ચૂકી છે જેને ૨૦૨૩માં નેશનલ એવોર્ડ પણ મળ્યો હતો. હવે ફાળકે તરીકે લોકો આમિરને સ્વીકારે છે કે, જુનિયર એનટીઆરને તે જોવાનું રસપ્રદ બની રહેશે.
