કેન્દ્ર સરકાર દ્વારા ખાદ્ય તેલ પરની આયાત ડયુટીમાં ૧૦ ટકાનો ઘટાડો કરવાના નિર્ણય પછી આગામી બે સપ્તાહમાં રીટેલ સ્તરે ખાદ્ય તેલોની કીંમતમાં પાંચથી છ ટકાનો ઘટાડો થવાનો અંદાજ છે તેમ સત્તાવાળાઓએ એક નિવેદનમાં જણાવ્યું છે. એક કંપનીના સીઇઓએ જણાવ્યું હતું કે ખાદ્ય તેલોની કીંમતોમાં તાજેતરના મહિનાઓમાં લગભગ ૧૭ ટકાની વૃદ્ધિ જોવા મળી હતી જો કે હવે તેમાં નરમીના સંકેત જોવા મળી રહ્યાં છે. અમને આશા છે કે, ભાવમાં વૃદ્ધિ સિંગલ ડિજિટમાં આવી જશે. વધતા ખાદ્ય બિલોનો સામનો કરી રહેલા પરિવારો પર તેની અસર ટૂંક સમયમાં કિરાણાની દુકાનો અને સુપર માર્કેટમાં જોવા મળશે.
જો કે જથ્થાબંધ બજારોમાં કીંમતોમાં નરમીના શરૂઆતી સંકેત જોવા મળી રહ્યાં છે. ભાવમાં ઘટાડો ફક્ત આયાત કરવામાં આવેલા તેલ સુધી મર્યાદિત રહેશે નહીં. સૂત્રોના જણાવ્યા અનુસાર સરસવનું તેલ કે જે આયાત પર નિર્ભર નથી તેના ભાવમાં પણ ૩ થી ૪ ટકાનો ઘટાડો થવાનો અંદાજ છે. પડદાની પાછળ નીતિગત ફેરફાર ભારતના ખાદ્ય તેલ રિફાઇનિંગ ઉદ્યોગમાં નવા પ્રાણ ફૂંકી રહ્યું છે. કાચા તેલ અને રિફાઇન્ડ તેલ પર ડયુટી વચ્ચેનું અંતર ૧૨.૫ ટકાથી વધીને ૨૨.૫ ટકા થઇ ગયું છે. જેના કારણે કંપનીઓ માટે કાચા તેલની આયાત કરવી અને તેને ઘરેલુ સ્તરે રિફાઇન્ડ કરવું સસ્તું થઇ ગયું છે. ખાદ્ય તેલની આયાત ડયુટીમાં ૧૦ ટકાનો ઘટાડો કરવો એક મોટો ફેરફાર છે. સોયાબીન, સૂર્યમુખી અને પામ તેલ જેવા આયાત કરવામાં આવતા ખાદ્ય તેલોની ઘરેલુ રીટેલ કીંમતમાં ઘીમે ધીમે ઘટાડો થવાનો અંદાજ છે.
