ગાંધીનગર શહેર નજીક આવેલ રાંદેસણામાં રહેત વડીલોને ચારધામ યાત્રા કરાવવાના બહાને દેહરાદુનના એજન્ટ દ્વારા ૭ લાખ રૂપિયાની રકમ મેળવી લઈને યાત્રા નહીં કરાવી છેતરપિંડી કરવામાં આવી હોવાની ઘટના બહાર આવી છે. જેના આધારે ઇન્ફોસિટી પોલીસ દ્વારા ગુન્હો દાખલ કરીને આરોપીને પકડવા દોડધામ શરૂ કરવામાં આવી છે. હાલમાં છેતરપિંડીની ઘટનાઓ વધી રહી છે ત્યારે આ વખતે ધામક યાત્રાના બહાને વડીલો સાથે છેતરપિંડીની ઘટના બહાર આવી છે. બનાવ અંગે રાંદેસણમાં રહેતા અને વકીલાતનો વ્યવસાય કરતા ભૂપતસિંહ હેમતુજી ગોહિલ દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવી હતી કે, બે વર્ષ અગાઉ તેમને ધોળેશ્વર મહાદેવ મંદિર ખાતે આવતા-જતા પરીક્ષીત જયકાંત જોષીનો પરિચય થયો હતો. 
જેણે પોતાને જોષી ટુર એન્ડ ટ્રાવેલ્સના એજન્ટ તરીકે ઓળખ આપી હતી અને ચારધામ યાત્રા માટે ઓછા ભાવે ટ્રાવેલ્સની વ્યવસ્થા કરી આપવાની વાત કરી હતી. ભુપતસિંહ અને તેમના ગામના અન્ય લોકો જોષીના વિશ્વાસમાં આવી ગયા હતા અને દોઢ વર્ષ પહેલા ૧૬ સપ્ટેમ્બર, ૨૦૨૪થી ૨૯ સપ્ટેમ્બર, ૨૦૨૪ સુધીની ટુર માટે ૩,૨૦,૦૦૦ રોકડા આપ્યા હતા.
જોકે તેમના ભાભીના અવસાનને કારણે તેઓ નિર્ધારિત તારીખે યાત્રાએ જઈ શક્યા ન હતા. ત્યારબાદ જોષીએ તેમને બીજી કોઈ તારીખે યાત્રા લઈ જવાની વાત કરી અને આ રકમ પોતાની પાસે જમા રાખી હતી.ફરીથી ચાર ધામ યાત્રા નક્કી થતાં, જોષીએ હેલિકોપ્ટર, ગાડી અને હોટલ બુકિંગ માટે ૮૦,૦૭૦૦ માંગ્યા હતા. અન્ય ૧૫ વ્યક્તિઓએ જય બળદેવભાઈ પટેલ મારફતે ઓનલાઈન આ રકમ મોકલી હતી. વધુમાં, અન્ય ૧૨ પેસેન્જર માટે ૨૫,૦૦૦ લેખે કુલ ૩,૦૦,૦૦૦ જોષીના ખાતામાં ઓનલાઈન ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા.૪ મે, ૨૦૨૫ના રોજ કુલ ૨૮ વ્યક્તિઓ હરિદ્વાર જવા નીકળ્યા હતા જ્યાં જોષીએ તેમને મળવાનું જણાવ્યું હતું. પરંતુ હરિદ્વાર પહોંચ્યા બાદ જોષીના ફોન બંધ આવવા લાગ્યા. તેના રહેઠાણના સરનામે તપાસ કરતા પણ તે મળી આવ્યો ન હતો. આમ, જોષીએ કુલ ૭ લાખની વિશ્વાસઘાત અને છેતરપિંડી આચરી હોવાનું બહાર આવ્યું હતું.




