આ વર્ષની ગરમીથી તો સૌ કોઈ કંટાળી ગયા છે ત્યારે, બુધવારે દેહની રાજધાની દિલ્હીમાં એવી ભયંકર ગરમી પડી હતી કે સમગ્ર દેશનો રેકોર્ડ તૂટી ગયો. ઈતિહાસમાં પ્રથમ વખત પારો 52ને પાર થયો છે. દિલ્હીના મુંગેશપુરમાં મહત્તમ તાપમાન 52.3 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. આ સિવાય અન્ય ઘણા વિસ્તારોમાં તાપમાન 50 ડિગ્રીની આસપાસ નોંધાયું છે. જોકે, થોડા સમય પછી હવામાન બદલાયું અને આકાશ વાદળછાયું થઈ ગયું, જેના કારણે દિલ્હી-એનસીઆરના લોકોએ રાહતનો શ્વાસ લીધો. મુંગેશપુર ઉત્તર પૂર્વ દિલ્હી વિસ્તારમાં છે.
જ્યાં અત્યાર સુધીની સૌથી વધારે ગરમી પડી છે. આ દિલ્હીના કેન્દ્ર કનોટ પ્લેસથી લગભગ 50 કિલોમીટર દૂર છે. આ તાપમાન અહીં જવાહર નવોદય વિદ્યાલય સ્થિત હવામાન કેન્દ્રમાં નોંધાયું હતું. આ તાપમાન બપોરે 2.30 કલાકે નોંધાયું હતું. અત્યાર સુધી સૌથી વધુ તાપમાનનો રેકોર્ડ રાજસ્થાનના નામે હતો. રાજસ્થાનના ફલોદીમાં 2016માં 51 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું હતું, જે દેશમાં અત્યાર સુધીનું સૌથી વધુ તાપમાન હતું. અગાઉ 1956માં રાજસ્થાનના અલવરમાં પારો 50.6 સુધી પહોંચી ગયો હતો.
