વહેલી સવારે ઇઝરાયલે ગાઝાની એક સ્કૂલ ઉપર હુમલો કરતાં પાંચ બાળકો સહિત ઓછામાં ઓછા 39ના મૃત્યુ થયા છે. આ મૃત્યુ આંક હજી પણ વધવાની ભીતિ સેવાઈ રહી છે તેમ પેલેસ્ટાઇનના આરોગ્ય મંત્રાલયે જણાવ્યું છે. ઇઝરાયલ સેનાએ તેના આ કૃત્યનો બચાવ કરતાં કહ્યું હતું કે, તે સ્કૂલમાં હમાસ આતંકીઓએ આશ્રય લીધો હતો. ઇઝરાયલી સેનાના પ્રવકતાએ જણાવ્યું હતું કે, આઠ મહિનાથી ચાલી રહેલા આ યુદ્ધમાં હવે નવા ભૂમિગત હુમલાઓ અને હવાઈ હુમલાઓ શરૂ થઈ રહ્યા છે. આ અંગે નિરીક્ષકો કહે છે કે, હવે આ યુદ્ધ શાંત થવાને બદલે વધુ તીવ્ર બની રહ્યું છે.
આંતરરાષ્ટ્રીય સ્વૈચ્છિક આરોગ્ય સંસ્થાઓ તો સ્પષ્ટત: જણાવે છે કે, ગુરુવારના હુમલામાં માર્યા ગયેલાઓનો આંક તો હજી સુધીમાં માર્યા ગયેલાઓની સંખ્યામાં વધારો કરે છે. પેલેસ્ટાઇની વિસ્થાપિતોની સહાય માટેની એજન્સી યુએનઆરડબલ્યુ એ તેમજ અન્ય છ વિવિધ સ્વૈચ્છિક સંસ્થાઓ દ્વારા ઇઝરાયલમાં સ્કૂલ્સ તથા હોસ્પિટલ્સ ચલાવવામાં આવે છે. તે પૈકીની દીસ્અલ-બલાહ સ્થિત અલ-આકશા- શહિદ- હોસ્પિટલમાં 30 મૃતદેહો તો વહેલી સવારે જ આવ્યા હતા. આવી હોસ્પિટલોમાં પણ પેલેસ્ટાઇની આતંકવાદીઓ છુપાઈ રહ્યા હોય છે, માટે આવા હુમલા કરવામાં આવે છે, તેમ ઇઝરાયલી સેનાએ જણાવ્યું હતું. આ અંગે એક વિસ્થાપિત મોહમ્મદ અલ કરીમે જણાવ્યું હતું કે તે હોસ્પિટલની બહાર તો અંધાધૂંધી વ્યાપી રહેલી જોવા મળી હતી. એક પછી એક વાહનો ઘાયલ થયેલાઓને લઈ આવે છે. પથારીઓ ખૂટી પડતાં ઘાયલ થયેલાઓને ફલોર ઉપર સારવાર અપાઈ રહી છે.




