અમદાવાદમાંથી પ્રતિ વર્ષે નીકળતી રથયાત્રાના રૂટ ઉપર આવેલ ભયજનક મકાનનો મ્યુનિસિપલ તંત્ર દ્વારા સર્વે કરવામા આવ્યો છે. મધ્યઝોનમાં રથયાત્રાના રૂટ ઉપર દરિયાપુર વોર્ડમાં સૌથી વધુ 150 ભયજનક મકાન આવેલા છે. ઉપરાંત ખાડીયા વોર્ડમાં 111 ભયજનક મકાન આવેલા છે. ભયજનક મકાન કે તેના ભયજનક ભાગને ઉતારી લેવા એસ્ટેટ વિભાગ દ્વારા નોટિસ આપવામાં આવી છે. અમદાવાદમાં આગામી મહિને જમાલપુર ખાતે આવેલા જગન્નાથ મંદિરથી પ્રતિ વર્ષની જેમ આ વર્ષે પણ પરંપરાગત રીતે રથયાત્રા નીકળશે.
દરમિયાન મ્યુનિસિપલ કોર્પોરેશનના મધ્યઝોન એસ્ટેટ વિભાગ દ્વારા શાહીબાગ ઉપરાંત દરિયાપુર, શાહપુર અને ખાડીયા વોર્ડમાં રથયાત્રા રૂટ ઉપર આવેલા ભયજનક મકાન કે તેના ભયજનક ભાગ અંગે સર્વે કરીને તેને ઉતારી લેવા અંગે નોટિસ આપવામા આવી છે. રથયાત્રાના રૂટ ઉપર દર વર્ષે મ્યુનિ.ના એસ્ટેટ વિભાગ તરફથી ભયજનક મકાનનો સર્વે કરીને નોટિસ આપવામા આવે છે. પરંતુ મોટાભાગના કીસ્સામાં મકાન માલિક અને ભાડુઆતના વિવાદને લઈ ભયજનક મકાન કે તેના ભયજનક ભાગને ઉતારવા અંગેની કોઈ કામગીરી થતી હોતી નથી. વર્ષ-2023માં રથયાત્રાના રૂટ ઉપર આવેલા દરિયાપુરના એક મકાનની ગેલેરી ધરાશાયી થઈ હતી. એક વર્ષ બાદ એસ્ટેટ વિભાગે આ મકાનના ભયજનક મકાનના ભાગને ઉતારવાની કામગીરી પુરી કરવી પડી છે.
