રાજ્યમાં શાળાઓનું ઉનાળુ વેકેશન તેના અંતિમ દોરમાં છે. આ દરમિયાન શાળાઓમાં ઉનાળુ વેકેશન લંબાવવામાં આવ્યું છે, તેવી અફવાઓ ફેલાઈ હતી. ત્યારે આ અંગે ગુજરાત બોર્ડ દ્વારા સ્પષ્ટતા કરી દેવામા આવી છે. શાળાઓમાં નવુ શૈક્ષણિક સત્ર તારીખ 13મી જૂનથી જ શરૂ થઈ જશે. ગુજરાતમાં આ વખતે કાળઝાળ ગરમી તમામ રેકોર્ડ તોડ્યા છે. ગરમીના પ્રકોપાના કારણે રાજ્ય શાળા સંચાલક મંડળ અને વાલી અધિકાર ગ્રૂપ દ્વારા માંગ કરવામાં આવી હતી કે, શાળાઓ તારીખ 13મી જૂનનાં બદલે તારીખ 20મી જૂનથી શરૂ કરવામાં આવે.
જોકે આ અંગે હવે ગુજરાત શિક્ષણ બોર્ડ, પ્રાથમિક શિક્ષણ નિયામક અને અમદાવાદના DEO કચેરીનાં પદાધિકારીઓએ સ્પષ્ટતા કરી છે કે, વેકેશનની તારીખ લંબાવવામાં નહીં આવે અમદાવાદ જિલ્લા શિક્ષણ અધિકારીએ આ મામલે જણાવ્યું હતું કે, ‘વાલીઓએ આવી ખોટી માહિતીથી દોરવાઈ જવું નહીં. વેકેશનની મુદત એક સપ્તાહ વધારવા માટેની એક અરજી શાળા સંચાલક મંડળ દ્વારા કરવામાં આવી હતી.
પરંતુ શાળાઓ રાબેતા મુજબ જ શરૂ થઈ રહી છે. ઉલ્લેખનીય છે કે, ગુજરાત રાજ્ય શાળા સંચાલક મંડળે મુખ્યમંત્રીને આકરી ગરમીને કારણે વેકેશન લંબાવવા પત્ર લખ્યો હતો. ગુજરાત રાજ્ય શાળા સંચાલક મંડળે મુખ્યમંત્રીને પત્રમાં હીટવેવના કારણે શાળાના વેકેશનનો સમય એક અઠવાડિયા લંબાવવા રજૂઆત કરી હતી. સાથે જ લોકસભાની ચૂંટણી કારણે નવી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓની અરજીઓનો નિર્ણય પડતર હોવાની રજૂઆત કરી હતી અને શાળાઓ તારીખ 13 જૂનના બદલે તારીખ 20 જૂને શરૂ કરવા ભલામણ કરી હતી.




