જામનગરનાં બેડેશ્વર વિસ્તારમાં બપોરના સમયે એક ખાનગી સ્કૂલના વિદ્યાર્થીઓ ભરેલી સ્કૂલ વાનમાં અકસ્માતે આગનો બનાવ બનતા ભારે અફડા તફડીનો માહોલ સર્જાયો હતો. જયારે સમયસર તમામ વિદ્યાર્થીઓને બહાર કાઢી લીધા હતા અને પાણીનો મારો ચલાવી આગ શરૂ થાય તે પહેલા જ ઓલવી દેવામાં આવી હતી. સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ, જામનગરની એન.વી.એન. સ્કૂલના વિદ્યાર્થીઓ ભરેલી સ્કુલવાન નંબર GJ/10/ DJ/1846ની ઇકો કારમાં બપોરના સમયે વિદ્યાર્થીઓને શાળાએ લઈ જવામાં આવતા હતા.
આ દરમિયાન બેડેશ્વર વિસ્તારમાં વજન કાંટા પાસે સીએનજી ગેસ કીટમાં આગ શરૂ થઈ હતી અને સૌ પ્રથમ ધુમાડા દેખાયા હતા. જેથી સ્કૂલ વેનના ચાલકે વેન ઉભી રાખીને તેમાંથી તમામ વિધાર્થીઓને બહાર કાઢી લીધા હતા. ત્યારબાદ સ્થાનિક નાગરિક અકબરભાઈ કક્કલ પાણીની ડોલ લઈને દોડી આવ્યા હતા અને તુરંત જ પાણીનો મારો ચલાવી આગ શરૂ થાય તે પહેલાં જ આગને બુજાવી દીધી હતી. કોઈ જાનહાની થાય, તે પહેલા જ આગ કાબુમાં આવી જતાં સર્વેએ હાશકારો અનુભવ્યો હતો. જોકે સમગ્ર બનાવ મામલે ફાયર બ્રિગેડ અથવા અન્ય કોઈ તંત્રની મદદ લેવામાં આવી નથી.




