Follow Us

Address: Press karyalay 1st Floor,103 Pashvadarsan Complex Nr.daxinapath Vidhyalay Ta.vyara District.Tapi (Gujarat)

દિલ્હીનાં સિરસપુર અન્ડરબ્રિજમાં વરસાદી પાણીમાં ન્હાવા પડેલા બે બાળકોનાં ડૂબી જવાથી મોત

Picture of Gujarat Samrajya

Gujarat Samrajya

દિલ્હીમાં શનિવારે પણ ભારે વરસાદ પડયો હતો, જેના પગલે અનેક વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ યથાવત્ રહી હતી. દિલ્હીના સિરસપુર અન્ડરબ્રિજમાં વરસાદી પાણીમાં ન્હાવા પડેલા બે બાળકોનાં ડૂબી જવાથી મોત નીપજ્યાં હતાં. આ સાથે રાજધાનીમાં વરસાદ સંબંધિત દુર્ઘટનાઓમાં કુલ 11 લોકોનાં મોત થયા હતા. સિરસપુર અન્ડરબ્રિજમાં શુક્રવારથી પાણી ભરાયેલું હતું. એ જ રીતે ઉસ્માનપુર યમુના ખાદરમાં શુક્રવારે ખાડામાં વરસાદી પાણી ભરાતા તેમાં ન્હાવા પડેલા બે બાળકોનાં ડૂબી જતાં મોત થયા હતા. ઓખલા અન્ડરબ્રિજમાં પણ એક વ્યક્તિનું ડૂબી જવાથી મોત થયું હતું. દિલ્હીના રોહિણી અને બુરારીમાં સવારે 8.9 મીમી વરસાદ નોંધાયો હતો.

શહેરમાં બપોરના સમયે કુલ 12.6 મીમી વરસાદ પડયો હતો. હવામાન વિભાગે દિલ્હીમાં આગામી સાત દિવસ સુધી ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરતા ઓરેન્જ એલર્ટ જાહેર કરી છે. બીજીબાજુ છત તૂટી પડવાના કારણે દિલ્હીના આંતરરાષ્ટ્રીય એરપોર્ટના ટર્મિનલ-1ને બંધ કરાતા શનિવારે ઈન્ડિગોની ૨૦થી વધુ ફ્લાઈટ્સ રદ કરાઈ હતી. આ સિવાય ટર્મિનલ-1 પર સ્પાઈસ જેટની બે સહિત કુલ 23 ફ્લાઈટ્સ રદ કરાઈ હતી. દિલ્હીની સાથે ઉત્તર ભારતમાં પણ અનેક જગ્યાએ વરસાદ થયો હતો. મધ્ય પ્રદેશના ઈન્દોરમાં મૂશળધાર વરસાદના કારણે રસ્તાઓ પર પાણી ભરાઈ ગયા હતા. અહીં 40 મિનિટમાં જ અંદાજે અડધા ઈંચ જેટલો વરસાદ ખાબક્યો હતો.

શહેરમાં અનેક સ્થળો પર પાણી ભરાતા ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. ઉત્તર પ્રદેશમાં મથુરા સહિતના શહેરોમાં અતિ ભારે વરસાદથી પાણી ભરાયા હતા. આગ્રામાં 52.0 મીમી વરસાદ પડયો હતો. પૂર્વોત્તર ભારતમાં આસામમાં 7 જિલ્લામાં અતિ ભારે વરસાદ પડયો હતો અને 1.33 લાખ લોકો પૂરના કારણે મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે. હવામાન વિભાગે પંજાબ, હરિયાણા, હિમાચલપ્રદેશ, દિલ્હી, ઉત્તરપ્રદેશ, મધ્યપ્રદેશ તેમજ પશ્ચિમ અને પૂર્વોત્તર ભારતમાં આગામી પાંચ દિવસ ભારે વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગ મુજબ દક્ષિણ-પશ્ચિમ ચોમાસુ પૂર્વી અને પશ્ચિમી ઉત્તર પ્રદેશમાં પહોંચી ગયું છે. આગામી બે-ત્રણ દિવસમાં તે હિમાચલ પ્રદેશ, જમ્મુ-કાશ્મીરમાં પહોંચી જશે.