ઉત્તરપ્રદેશના હાથરસના ફુલરાઈ ગામમાં સત્સંગ દરમિયાન નાસભાગમાં 121 ભક્તોનાં મોતથી સૌ કોઈ આઘાત પામી ગયા છે. SDMએ હવે આ અકસ્માતનો પ્રાથમિક તપાસ રિપોર્ટ જિલ્લા મેજિસ્ટ્રેટ (DM)ને સુપરત કર્યો હતો. એ રિપોર્ટમાં જણાવ્યા અનુસાર, સત્સંગની સમાપ્તિ પછી ભક્તો ભોલે બાબા સુધી પહોંચવાનો પ્રયાસ કરી રહ્યા હતા, પરંતુ તેમના સેવકો અને અંગત ગાર્ડ્સ (બ્લેક કમાન્ડો) જાતે જ ધક્કા-મુક્કી કરવા લાગ્યા હતા જેના લીધે ઘટના સ્થળે નાસભાગ મચી ગઈ હતી. એસ.ડી.એમ.નાં જણાવ્યા અનુસાર, સત્સંગમાં બે લાખથી વધુ ભક્તો હાજર હતા.
ભોલે બાબા લગભગ 12.30 વાગ્યે પંડાલમાં પહોંચ્યા અને તેમનો કાર્યક્રમ 1 કલાક સુધી ચાલ્યો. દરમિયાન ભોલે બાબા બપોરે 1.40 વાગ્યે પંડાલમાંથી બહાર આવ્યા ત્યારે ભક્તો તેમના ચરણોની ધૂળને સ્પર્શ કરવા આગળ આવ્યા હતા. લોકો ડિવાઈડર કૂદીને બાબાના વાહન તરફ દોડવા લાગ્યા હતા. પરંતુ બાબાના અંગત રક્ષકો અને સેવકોએ ધક્કે ચઢાવવાની શરૂઆત કરી. ત્યારપછી ઘણાં લોકો નીચે પડી ગયા અને ભીડ નીચે કચડાવા લાગ્યા.
એસ.ડી.એમ.નાં અહેવાલ મુજબ, ઘણા શ્રદ્ધાળુઓ સ્થળની સામેના ખેતરો તરફ દોડી ગયા હતા પણ ત્યાં તેઓ લપસીને પડી ગયા હતા. તેમ છતાં કોઈ રોકાયું નહીં અને એકબીજાને કચડતાં આગળ દોડવા લાગ્યા. જે નીચે પડ્યો તે ઊભો જ ના થઈ શક્યો. જેના લીધે ઘણા ભક્તો ગંભીર રીતે ઘાયલ થયા હતા. ઘટના સ્થળે હાજર પોલીસ કર્મચારીઓએ ઘાયલોને એમ્બ્યુલન્સ દ્વારા હોસ્પિટલમાં દાખલ કરાવ્યા હતા. તેમાંથી કેટલાકને સામુદાયિક આરોગ્ય કેન્દ્રમાં દાખલ કરવામાં આવ્યા હતા.
જ્યારે કેટલાકને સારવાર માટે એટા અને અલીગઢની સરકારી હોસ્પિટલોમાં મોકલવામાં આવ્યા હતા. આ અકસ્માત બાદ પોલીસે ભોલે બાબાના મુખ્ય સેવક અને આયોજકો વિરુદ્ધ કેસ નોંધ્યો છે. પરંતુ FIRમાં ભોલે બાબાનું નામ સામેલ નથી. આ પોલીસ FIR પર પણ સવાલો ઉઠી રહ્યા છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર, સત્સંગ માટે પરવાનગી લેવામાં આવી હતી. પરંતુ માત્ર 80,000 ભક્તોની ભાગીદારી માટે પરવાનગી માંગવામાં આવી હતી, જેની સામે બે લાખથી વધુ ભક્તો સત્સંગમાં હાજરી આપવા માટે પહોંચ્યા હતા.
