ખરાબ હવામાન અને વરસાદની સ્થિતિને જોતાં જમ્મુ કાશ્મીર પોલીસે અમરનાથ યાત્રીઓ માટે ખાસ એડવાઈઝરી જારી કરી છે. એડવાઈઝરી અનુસાર અમરનાથ યાત્રી નેશનલ હાઈવે-44 પર સફર કરતી વખતે બપોરે એક વાગ્યા સુધી જિખૈની ઉધમપુર, 2 વાગ્યા સુધી ચંદ્રકોટ રામબન અને 3 વાગ્યા સુધી બનિહાલને પાર કરી શકે છે. જે બાદ આ વિસ્તારોમાં જવાની પરવાનગી મળશે નહીં. જો કોઈ કારણથી રસ્તો પાર ન કરી શકો તો વાહન જ્યાં હશે ત્યાં રોકી દેવામાં આવશે અને પછી આગલા દિવસે જ આગળ જવાની પરવાનગી મળશે. રામગંગા, કોકિલા અને બહુલાનું જળસ્તર વધી ચૂક્યું છે. બદ્રીનાથ ગંગોત્રી હાઈવે સહિત સમગ્ર રાજ્યમાં લગભગ 100થી વધુ માર્ગો બ્લોક છે.
હવામાન વિભાગે સમગ્ર પ્રદેશમાં ભારે વરસાદ પડવાનું રેડ એલર્ટ જારી કર્યું છે. જેના કારણે સ્કુલ અને ઓફિસ બંધ કરી દેવાઈ છે. ચારધામ યાત્રાળુઓને જ્યાં છે ત્યાં જ રોકાવાનો આદેશ છે. હિમાચલ પ્રદેશ માટે હવામાન વિભાગે વરસાદનું ઓરેન્જ એલર્ટ આપ્યું છે. પ્રદેશના ઘણા વિસ્તારોમાં ભારે વરસાદથી ફ્લેશ ફ્લડ અને ભૂસ્ખલનની ઘટનાઓ થઈ રહી છે. ગત રાત્રે લાહોલ-સ્પીતિમાં મનાલી-લેહ હાઈવે પર જિંગજિંગબારમાં પૂર આવ્યું. હાઈવે પર ઊભેલા ટ્રક અને બાઈક કાટમાળની ચપેટમાં આવી ગયા. કમાંડિંગ ઓફિસર મેજર રવિ શંકરે ઘટનાની પુષ્ટિ કરી અને કહ્યું કે પૂર આવવાથી મનાલી-લેહ નેશનલ હાઈવે બંધ કરી દેવાયો છે.
શિમલામાં વરસાદનું પાણી ઘરમાં ઘૂસી ગયું છે. રસ્તા પર કાટમાળ, પથ્થર અને વૃક્ષ પડેલા છે. જેથી 70થી વધુ માર્ગો બ્લોક છે. 200થી વધુ વિજળીના ટ્રાન્સફોર્મર ઠપ છે. પીવાના પાણીની યોજનાઓ કાંપથી ભરેલી છે. હવામાન વિભાગે 6 જિલ્લા મંડી, શિમલા, સિરમોર, કાંગડા, કુલ્લૂ અને કિન્નોરમાં પૂર આવવાની ચેતવણી આપી છે. લોકોને નદીઓ અને નાળાથી દૂર રહેવાની સલાહ છે. લાહોલ સ્પીતિ સિવાય અન્ય પ્રદેશમાં વાવાઝોડું આવવાની શક્યતા છે.
